રાજકોટ ગ્રામ્ય પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને શ્રમ વિભાગની સંયુક્ત ટાસ્ક ફોર્સ દ્વારા જેતપુર તાલુકામાં બાળ મજુરોને મુક્ત કરાવવા ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અને શ્રમ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન કરી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળમજૂરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત જેતપુર પંથંકના વિવિધ કારખાના અને ગોડાઉનો પર દરોડા પાડીને ગેરકાયદેસર રીતે મજૂરી કરતા 15 સગીરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. આ મામલે જેતપુર તાલુકા પોલીસ મથકે ચાઇલ્ડ લેબર એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ અલગ-અલગ પાંચ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
સરકારી શ્રમ અધિકારી ડો. ડી. આર. કાનાણી અને તેમની ટીમે ગ્રામ્ય પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ની મદદથી દરોડા પાડયા હતા. ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા જ્યારે ચાંપરાજપુર કેનાલના રાજેશ છગનભાઈ સોજીત્રાના કારખાનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સ્થળેથી બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. અને કારખાનાના માલિક રાજેશ સોજીત્રા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજો દરોડો ચાંપરાજપુર રોડ કેનાલ પાસે આવેલ ’દેવાંગી હેન્ડ ફિનિશિંગ સાડીના ગોડાઉન’ માં પાડવામાં આવ્યો હતો. પોલીસ અને શ્રમ વિભાગની ટીમે પંચોની હાજરીમાં રેડ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના વતની એવા કુલ 7 સગીર કિશોરોને શોષણમાંથી મુક્ત કરાવ્યા હતા. આ બાળકો પાસે નિયમ વિરુદ્ધ દરરોજ સવારે 08:00 થી રાત્રે 19:00 વાગ્યા સુધી મજૂરી કરાવી આર્થિક શોષણ કરવામાં આવતું હતું. આ મામલે ગોડાઉનના માલિક મનીષભાઈ ભનુભાઈ વેકરીયા તથા ઠેકેદાર રામભજન પાસવાન સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ત્રીજો દરોડામાં બ્રહ્માણી ફોલ્ડિંગ વર્ક્સ પર પાડવામાં આવ્યો હતો. સમઢીયાળા રોડ પર આવેલ ’બ્રહ્માણી ફોલ્ડિંગ વર્ક્સ’ માં કરવામાં આવી હતી. અહીં પણ નિયત વય મર્યાદાથી ઓછી ઉંમરના કિશોરને કલાકો સુધી મજૂરીના કામે જોતરી રાખવામાં આવ્યો હતો.
ટાસ્ક ફોર્સે બાળકને મુક્ત કરાવી ’સ્પેશિયલ હોમ ફોર બોયઝ, રાજકોટ’ ખાતે સુપ્રત કર્યો છે. આ ગુનાહિત કૃત્ય બદલ એકમના માલિક રોહિતભાઈ રમેશભાઈ રાદડિયા અને બિહારના ઠેકેદાર ઈમરાનભાઈ વકીલભાઈ અંસારી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ચોથો દરોડો સ્વાગત ટેક્ષ ટાઈલ માં પાડવામાં આવ્યો હતો અને પાંચમો દરોડો આયર્ન એન્ટરપ્રાઈઝમાં પાડી બાળ મુજુરોને શોષણમાંથી મુક્ત કરાવ્યા હતા. આ બાળકો પાસે નિયમ વિરુદ્ધ મજૂરી કરાવી તેમનું આર્થિક શોષણ કરવામાં આવતું હતું. આ મામલે કારખાનાના માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મુક્ત કરાયેલા તમામ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી તેમને બાળ ગૃહમાં આશ્રય આપવામાં આવ્યો છે. આ તમામ કેસોની તપસા જેતપુર તાલુકા પોલીસે શરૂૂ કરી છે. બાળ સંભાળ અને શ્રમ કાયદાના સરેઆમ ઉલ્લંઘન બદલ આરોપીઓ સામે કાયદાનો સિકંજો મજબૂત કરવામાં આવ્યો છે.
