અમદાવાદ-સોમનાથ વંદેભારતમાં રાજકોટ-સુરેન્દ્રનગર કપાયા

સાંસદોએ હરિદ્ધારની દૈનિક ટ્રેન માંગી ત્યાં જે સુવિધા હતી તે પણ છીનવાઈ હાલમાં રાજકોટ શહેરને મળેલી અમદાવાદ-સોમનાથ વંદે ભારત ટ્રેનની સુવિધા છીનવી લેવાનો નિર્ણય વેસ્ટર્ન…

સાંસદોએ હરિદ્ધારની દૈનિક ટ્રેન માંગી ત્યાં જે સુવિધા હતી તે પણ છીનવાઈ

હાલમાં રાજકોટ શહેરને મળેલી અમદાવાદ-સોમનાથ વંદે ભારત ટ્રેનની સુવિધા છીનવી લેવાનો નિર્ણય વેસ્ટર્ન રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. આજે સાંસદો સાથેની રિવ્યુ બેઠકમાં હરિદ્વારની સીધી દૈનિક ટ્રેનની માંગણી મુકાઈ છે પરંતુ ચાલુ ટ્રેન માંથી રાજકોટ-સુરેન્દ્રનગર-ભક્તિનગર અને વિરમગામ સહિતના સૌરાષ્ટ્રનાં મહત્વના સ્ટેશનો બાકાત કરવાની જાહેરાત કરી દેવાઈ છે.

રેલવેના આધારભૂત સુત્રોની પાસેથી મળતી માહિતી પ્રમાણે સાબરમતી વેરાવળ વંદેભારત એકસપ્રેસ ટ્રેન નં.26901નો રૂટ બદલી દેવાની જાહેરાત કરાઈ છે. અગાઉ આ ટ્રેન સાબરમતી જંકશનથી ઉપડીને વિરમગામ-સુરેન્દ્રનગર-વાંકાનેર-રાજકોટ અને જૂનાગઢ થઈને વેરાવળ જંકશન પહોંચતી હતી. પરંતુ હવે નવા રૂટ પ્રમાણે આ ટ્રેન સાબરમતી જંકશનેથી ઉપડી ગાંધીગ્રામ જશે. ત્યાંથી ધોળકા અને ધંધુકા થઈ બોટાદ પહોંચશે. ત્યાંથી ધોળા અને ઢસા થઈ જૂનાગઢ બાદ વેરાવળ પહોંચશે.

આજે ભાવનગર અને રાજકોટ રેલવે ડીવીઝનની સાંસદોની હાજરીમાં રિવ્યુ બેઠક મળી હતી. જેમાં પરસોત્તમ રૂપાલા, કેશરીદેવસિંહ, રામભાઈ મોકરીયા, રાજેશ ચુડાસમા સહિતના સાંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ દ્વારા એકસૂરે રાજકોટથી હરિદ્વાર માટે દૈનિક ટ્રેનની માંગણી કરવામાં આવી હતી. પરંતુ રેલવે દ્વારા મહત્વના ધાર્મિક સ્થળ એવા જયોતિર્લિંગ સોમનાથની વંદે ભારત ટ્રેનની સુવિધા છીનવી લેતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. હવે રાજકોટ શહેરને માત્ર એક જ વંદે ભારત ટ્રેનનો લાભ મળશે જે હાલ જામનગર અને અમદાવાદ વચ્ચે દોડે છે. રાજકોટ શહેરથી સોમનાથ જવા માટે કોઈ પ્રીમીયમ ટ્રેન ઉપસ્થિત રહેશે નહીં. રેલવે દ્વારા આ નવો રૂટ કઈ તારીખથી લાગુ થશે તે બાબતે સત્તાવાર તારીખ જાહેર કરાઈ નથી પરંતુ રૂટ અપડેટ કરી દેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *