રાજકોટના બે શખ્સો સહિત પાંચ ઝડપાયા, 290 ફરિયાદો નોંધાઇ ચૂકી છે: ખાતાની વિગતો અને પુરાવા એકત્ર કરવા તજવીજ
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના અનુસાર ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટ ધારકો તથા આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વોને શોધી કાઢવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેકટર, એમ.એ.ઝણકાતની રાહબરી હેઠળ ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ જિલ્લાના કાર્યક્ષેત્રની બેન્કોમાં ખોલવામાં આવેલ Mule Accountની માહિતી પોલીસ મહાનિરીક્ષકની કચેરી, જૂનાગઢ તરફથી પ્રાપ્ત થયેલ તેમજ સમન્વય (Samanvay) પોર્ટલ અને NCCRP પોર્ટલ પર ઉપલબ્ધ ફરિયાદોના એનાલિસિસ દરમિયાન કેટલાક શંકાસ્પદ બેન્ક ખાતાઓ સામે આવ્યા હતા જે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એકાઉન્ટ ધારક દ્વારા પોતાના બેન્ક ખાતાઓ સાયબર ફ્રોડની પ્રવૃત્તિઓ માટે ભાડે આપવામાં આવ્યા હતા અને તેના બદલામાં કમિશન મેળવવામાં આવતું હતું.
તપાસમાં સામે આવ્યું કે: બેન્ક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં NCCRP પોર્ટલ પર નોંધાયેલી કુલ 193 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂૂ. 282 કરોડના શંકાસ્પદ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. કેનરા બેન્કના એક ખાતામાં NCCRP પોર્ટલ પર નોંધાયેલી કુલ 97 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂૂ. 37 કરોડના શંકાસ્પદ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ રીતે બંને ખાતાઓમાં કુલ 290 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂૂ.310 કરોડના સાયબર ફ્રોડના નાણાં વિવિધ રાજ્યોના ભોગ બનનાર વ્યક્તિઓ પાસેથી ટ્રાન્સફર થયેલ હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.
આ અંગે ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે મ્યુલ એકાઉન્ટ સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો હતો. શરૂૂઆતમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીની પૂછપરછ અને તકનિકી તપાસ દરમિયાન અન્ય વ્યક્તિઓની સંડોવણી બહાર આવતા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો રચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસના પરિણામે કુલ-5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી1. આકાશ ભરતકુમાર પાલા રહે.વેરાવળ, 2. હિરેન રાજગોર રહે. રાજકોટ,3. આશુતોષ ઠાકર રહે. દેવભૂમી દ્વારકા,4. અજય દાફડા રહે. રાજકોટ,5. દીપકગીરી અપરનાથી રહે. વેરાવળનો સમાવેશ થાય છે.
ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડમાં સંડોવાયેલા મ્યુલ એકાઉન્ટ ધારકો અને આવા ગુનાઓને પ્રોત્સાહન આપતા તત્વો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. જનતાને અપીલ કરવામાં આવે છે કે પોતાના બેન્ક ખાતા, મોબાઇલ નંબર અથવા અન્ય ઓળખ સંબંધિત દસ્તાવેજો કોઈપણ અજાણ્યા વ્યક્તિને ભાડે કે ઉપયોગ માટે આપશો નહીં, અન્યથા તેઓ પણ કાયદેસરની કાર્યવાહીના ભોગ બની શકે છે.
