બગસરામાં સિંહણે સાત વર્ષના બાળકને ફાડી ખાધો

અમરેલી જિલ્લાના બગસરાના ઘંટીયાણ ગામની સીમમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના એક પરપ્રાંતીય પરિવારના…

અમરેલી જિલ્લાના બગસરાના ઘંટીયાણ ગામની સીમમાં એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના એક પરપ્રાંતીય પરિવારના 7 વર્ષના માસૂમ બાળક દિનેશ પર એક સિંહણે અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણ આ માસૂમ બાળકને મોઢામાં દબાવીને અંદાજે 1 કિલોમીટર દૂર સુધી ઢસડી ગઈ હતી. આ ભયાનક હુમલા અને ઈજાઓના કારણે માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટના પારસ સોજીત્રાની વાડી વિસ્તારમાં બની હતી, જ્યાં આ શ્રમિક પરિવાર રહેતો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.

ગ્રામજનોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં લાંબા સમયથી સિંહ અને દીપડાની અવરજવર છે અને અગાઉ પણ આવા હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. માસૂમ બાળકના મોતના પગલે ગ્રામજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આ ઘટનાને પગલે વન વિભાગ સામે ગ્રામજનોએ મોરચો માંડ્યો હતો અને વારંવાર થતા હુમલાઓ સામે આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી કાયમી ઉકેલની માંગ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં વાડીમાં પહોંચી ગયા હતા. અમરેલી સામાજિક વનીકરણ વન વિભાગના ACF રાજન જાદવ સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. હુમલો કરનાર સિંહણને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વન વિભાગને પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે, હુમલો કરનાર સિંહણની સાથે તેનું સિંહબાળ પણ છે. સામાન્ય રીતે બચ્ચા સાથેની સિંહણ વધુ આક્રમક અને હિંસક બનતી હોય છે, જેને કારણે વન વિભાગ અને સ્થાનિક લોકોની ચિંતામાં વધારો થયો છે. હાલ વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારોમાં સિંહણનું લોકેશન ટ્રેક કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *