અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં દીકરી ગુમાવનાર અમરેલીની માતાનો વલોપાત
અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાએ અમરેલીના પડસાલા પરિવારને લાડલી દીકરી રિધ્ધિનું મૃત્યુ થયું હતું. એક વર્ષ બાદ પણ તેની માતાના આંસુ સુકાતા નથી. રિદ્ધિ પડશાળા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પોતાની 25 વર્ષની પ્રતિભાશાળી દીકરી ગુમાવનાર પરિવાર આજે પણ ન્યાયની આશમાં છે. આ પરિવાર કોઈ આર્થિક સહાય નહીં,પરંતુ માત્ર સત્ય જાણવા માટે સરકાર પાસે પ્લેન ક્રેશના કારણો જાહેર કરવા અને ’બ્લેક બોક્સ’નો ડેટા બહાર પાડવાની માંગ કરી રહ્યો છે.
ગીતાબેન પડશાળાની 25 વર્ષની દીકરી રિદ્ધિનું પ્લેન દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થયું હતું. પરિવાર દીકરીને એરપોર્ટ પર મૂકીને ઘરે પરત ફર્યો જ હતો. ત્યારે જ પ્લેન ક્રેશના સમાચાર મળતા સમગ્ર પરિવાર પર આઘાતનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવાર કહે છે કે તેમને કોઈ આર્થિક સહાયની જરૂૂર નથી. માત્ર સત્ય સામે આવવું જોઈએ. પરંતુ આ દુ:ખદ ઘટનાની સાથે સાથે હવે સંબંધોમાં તૂટણ અને વળતર વિવાદના ગંભીર આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ એર ઇન્ડિયા તરફથી મળેલા અંદાજે 25 લાખ રૂૂપિયા મૃતક દીકરીના પરિવારને આપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય સ્ત્રોતમાંથી મળેલા લગભગ 1 કરોડ રૂૂપિયાની રકમ જમાઈને આપવામાં આવી છે.
જમાઈએ પરિવાર સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હોવાનો પણ પરિવાર આક્ષેપ કરી રહ્યો છે. વધુમાં, પરિવારનો આક્ષેપ છે કે પત્નીના મૃત્યુ બાદ મળેલા વળતરના પૈસાનો ઉપયોગ જમાઈના પિતાએ તેમના બીજા લગ્ન માટે કર્યો હતો અને માત્ર છ મહિનામાં જ જમાઈએ ફરી લગ્ન કરી લીધા હતા. એક તરફ દીકરી ગુમાવવાનો અસહ્ય દુ:ખ અને બીજી તરફ આર્થિક વળતર તથા સંબંધોમાં તૂટણના આક્ષેપોથી પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. હાલ પરિવાર માત્ર એક જ માંગ કરી રહ્યો છે, દુર્ઘટનાનું સાચું કારણ જાહેર થાય અને ’બ્લેક બોક્સ’નો ડેટા સામે આવે.
