ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જવાનો 100 વર્ષ જૂનો રસ્તો બંધ કરી દેવાના વિવાદાસ્પદ નિર્ણયને સ્થાનિક 39 રહીશો દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા મુદ્દો ઉઠાવાયો હતો કે, કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા ચાર-પાંચ મહિનાથી જવાબ અપાતો નથી. જોકે, સરકારપક્ષ તરફથી રિટ અરજીમાં દર્શાવ્યા મુજબનો રોડ ખુલ્લો જ હોવાનો દાવો કરાયો હતો. જૈની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે સરકારને સાફ શબ્દોમાં સુણાવ્યું હતું કે, કારણ જે પણ હોય પણ કલેક્ટરે લોકોને જવાબ આપવો પડે. નાગરિકોની રજૂઆતને ટાળી દેવાની આ પ્રકારની વૃત્તિ ચાલે નહીં. શું તમે હજુ રાજાશાહીમાં જીવો છો ? કલેક્ટરનું કામ શું છે ? એવા કયા કામમાં તેઓ વ્યસ્ત હતા કે, લોકોની રજૂઆતનો જવાબ પણ ના આપી શક્યા ?
સરકારપક્ષ તરફથી હાઈકોર્ટને હૈયાધારણ અપાઈ હતી કે, તેઓ સોમનાથમાં અહિલ્યાબાઈના પૂતળાથી લઈને સાગરદર્શન સુધીના રોડના વીડિયો અને નવીનતમ નકશો કોર્ટ સમક્ષ મૂકશે. જેથી હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી તા. 22મી જૂનના રોજ મુકરર કરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જતો 100 વર્ષ જૂનો રસ્તો બંધ કરી દેવાના વિવાદમાં સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ પણ રસ્તો નહીં ખોલાતાં કે તંત્ર તરફથી કોઈ જવાબ નહીં મળતાં આખરે સ્થાનિક લોકોએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્થાનિક કલેક્ટરના બેજવાબદારીભર્યા વલણને લઈ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારને રોકડું પરખાવ્યું હતું કે, મંદિર ટ્રસ્ટ પાસે રોડ બંધ કરવાનો પાવર (સત્તા) કેવી રીતે આવ્યો? આ રીતે એકતરફી જોહુકમીભર્યો નિર્ણય લઈ શકાય નહીં. નાગરિકોએ ક્યાં અને કેમ ચાલવું તે સત્તાધીશો નક્કી કરી શકે નહીં. મંદિર ટ્રસ્ટ જિલ્લો ચલાવે છે કે કલેક્ટર…?? હાઈકોર્ટે એવી પણ ટકોર કરીવહતી કે, આ કોઈ મિલિટરી વિસ્તાર નથી, લોકોની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ધરાવતું મંદિર છે.
જો કલેક્ટરે રસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો હોય તો કલેક્ટરને આવો પાવર કોણે આપ્યો…?? કલેક્ટર સ્થાનિક લોકોની રજૂઆત પરત્વે ચાર-ચાર મહિના સુધી જવાબ આપતા નથી તે કેવી રીતે ચાલે…?? વળી, 1920ના નકશામાં પણ આ રોડ દ્રશ્યમાન છે. નાગરિકો દ્વારા આ રોડ મામલે આપેલી રજૂઆત પરત્વે ચાર મહિના સુધી કલેક્ટરે શું કર્યું તે જણાવો. જાહેર રોડ બંધ કરવો એ પ્રથમદર્શનીય રીતે ગેરકાનૂની છે.
દરમિયાન સરકારપક્ષ તરફથી આ રસ્તો ખુલ્લો જ હોવાનો દાવો કરતા જણાવ્યું કે, અરજદારો રસ્તાની વાત કરી રહ્યા છે તે ખુલ્લો જ છે. સોમનાથ મંદિરમાં પ્રવેશ માટે પાંચ એન્ટ્રી ગેટ હતા, જેમાં દર્શનાર્થીઓને દિગ્વિજય ગેટથી પ્રવેશ અપાય છે. જે દિવાલ બનાવવામાં આવી છે તે પાંચ પૈકી એક પાછળનો એન્ટ્રી ગેટ હટાવીને સુરક્ષાના કારણોસર બનાવવામાં આવી છે. સુરક્ષાના કારણોસર મંદિરના બે ગેટ બંધ કરાયા છે, જે ગેટની જગ્યાએ દિવાલ બનાવી છે તે પાંચ વર્ષથી બંધ છે. પ્રભાસપાટણથી દિગ્વિજય ગેટ તરફથી માત્ર ટુ-વ્હીલરની જ એન્ટ્રી છે. જોકે, હાઈ કોર્ટે કલેક્ટરને સમગ્ર વિવાદ મામલે વલણ સ્પષ્ટ કરવા જણાવી હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી તા. 22મી જુન ના રોજ રાખેલ છે.
