રેસકોર્સ રીંગ રોડ પોલીસ હેડ ક્વાર્ટર પાસે ક્રિકેટ સટ્ટો રમનાર શખ્સ ઝડપાયો

શહેરમાં ગેરકાયદેસર જુગાર અને ઓનલાઈન સટ્ટાબાજીની પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરી છે. રેસકોર્સ રીંગ રોડ પર આવેલા પોલીસ હેડ ક્વાર્ટર પાસે જાહેરમાં…

શહેરમાં ગેરકાયદેસર જુગાર અને ઓનલાઈન સટ્ટાબાજીની પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરી છે. રેસકોર્સ રીંગ રોડ પર આવેલા પોલીસ હેડ ક્વાર્ટર પાસે જાહેરમાં મોબાઈલ ફોન દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા એક પંટરને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રંગેહાથ ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પોલીસ હેડ ક્વાર્ટર સામેના ખુલ્લા મેદાનમાં એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ઓનલાઈન આઈ.ડી. મારફતે લાઈવ ક્રિકેટ મેચ પર પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડીને શ્રમજીવી સોસાયટી, કોઠારીયા મેઈન રોડ ઉપર રહેતા હરદેવસિંહ ઘનશ્યામસિંહ પઢીયારને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પોતાના ફોનમાં સટ્ટાબાજી માટેની ઓનલાઈન આઈ.ડી. લોગ-ઈન કરીને મેચના સ્કોર અને રન પર સટ્ટો રમાડી રહ્યો હતો તેમજ પોતે પણ રમી રહ્યો હતો.

પોલીસે સ્થળ પરથી અંદાજે રૂપિયા 10,000ની કિંમતનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપી હરદેવસિંહે કબૂલાત કરી હતી કે, તેને આ સટ્ટો રમવા માટેની મુખ્ય ઓનલાઈન આઈ.ડી. રત્નદીપ સોસાયટી, આર્યનગર માં રહેતા વિજય દીપકભાઈ ઊંઘાડે પૂરી પાડી હતી. આ ખુલાસા બાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં આઈ.ડી. સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર વિજય ઊંઘાડ વિરુદ્ધ પણ ગુનો નોંધી તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *