રાજકોટનાં રામપર-બેટી પાસે ચાલુ બસે એસ.ટી.કંડકટરનું હાર્ટએટેકથી મોત

કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે સુરતથી રાજકોટ આવતી એસ.ટી.બસના કંડકટરને રામપર…

કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે સુરતથી રાજકોટ આવતી એસ.ટી.બસના કંડકટરને રામપર બેટી ગામ પાસે ચાલુ બસ હાર્ટએટેક આવતાં તાત્કાલીક સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ કંડકટરનો જીવ નહીં બચતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામનગરમાં આવેલા વલ્લભ પાર્કમાં રહેતાં અને એસ.ટી.માં કંડકટર તરીકે ફરજ બજાવતાં વિરેન્દ્રભાઈ હિંમતલાલ જાની નામના 55 વર્ષના આધેડ ગઈકાલે સુરત રાજકોટ રૂટની બસમાં ફરજ પર હતાં ત્યારે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં રાજકોટ નજીક આવેલા રામપર બેટી પાસે પહોંચતાં જ વિરેન્દ્રભાઈ જાનીને ચાલુ બસે હૃદયરોગનો હુમલો આવતાં ઢળી પડયા હતાં. વિરેન્દ્રભાઈ જાનીને તાત્કાલીક સારવાર માટે કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક વિરેન્દ્રભાઈ જાનીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. વિરેન્દ્રભાઈ જાની સુરતથી રાજકોટ આવતી એસ.ટી.બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતાં હતાં ત્યારે ચાલુ બસે હૃદયરોગનો હુમલો આવતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *