અફઘાનિસ્તાન સામે ભારતની ઐતિહાસિક જીતના 5 કારણો

ગિલ-રાહુલની શાનદાર સદી, માનવ સુથારની ઘાતક બોલિંગ, વોશિંગ્ટનના ઓલરાઉન્ડ પ્રદર્શન સામે અફઘાન ટીમ ઘૂંટણિયે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રભુત્વ…

ગિલ-રાહુલની શાનદાર સદી, માનવ સુથારની ઘાતક બોલિંગ, વોશિંગ્ટનના ઓલરાઉન્ડ પ્રદર્શન સામે અફઘાન ટીમ ઘૂંટણિયે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રભુત્વ જમાવતા ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનના વિશાળ અંતરથી હરાવીને શ્રેણી પોતાના નામે કરી છે. ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન સામે અફઘાનિસ્તાનની ટીમ મેચના કોઈ પણ તબક્કે ટકી શકી નહોતી અને બંને ઇનિંગ્સમાં સસ્તામાં સમેટાઈ ગઈ હતી.

ભારતની આ જીતના 5 મુખ્ય કારણો
1). શુભમન ગિલ અને કેએલ રાહુલની શાનદાર સદીઓ: ભારતની મજબૂત સ્થિતિનો પાયો કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલે નાખ્યો હતો. શુભમન ગિલે 126 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી, જ્યારે કેએલ રાહુલે 100 રન બનાવીને ટીમનો સ્કોર 564 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બંનેની સદીઓએ અફઘાનિસ્તાનના બોલરો પર શરૂૂઆતથી જ ભારે દબાણ વધાર્યું હતું.

2). મીડલ ઓર્ડર બેટ્સમેનોનું મજબૂત યોગદાન: ટોચના ક્રમ સિવાય મધ્યમ ક્રમમાં પણ ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. સાઈ સુદર્શન અને ઋષભ પંત બંનેએ 81-81 રન બનાવીને ટીમને વિશાળ સ્કોર તરફ દોરી હતી. આ મજબૂત બેટિંગના કારણે ભારતે 8 વિકેટે 564 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો, જે અફઘાનિસ્તાન માટે પહાડ જેવો સ્કોર સાબિત થયો હતો.

3). માનવ સુથારની ઘાતક સ્પિન બોલિંગ: ભારતની જીતમાં સૌથી મોટું યોગદાન યુવા સ્પિનર માનવ સુથારનું રહ્યું હતું. તેણે અફઘાનિસ્તાનની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 33 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેની સ્પિન જાળમાં ફસાઈને અફઘાનિસ્તાનની આખી ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 152 રનમાં જ ધરાશાયી થઈ ગઈ હતી.

4). વોશિંગ્ટન સુંદરનું ઓલરાઉન્ડ પ્રદર્શન: વોશિંગ્ટન સુંદરે આ મેચમાં બેટ અને બોલ બંનેથી અદભૂત પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગમાં અણનમ 52 રન ફટકાર્યા હતા અને ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં બોલિંગમાં તરખાટ મચાવતા 4 વિકેટ ઝડપી હતી. તેનું આ ઓલરાઉન્ડ પ્રદર્શન ભારતની જીતમાં નિર્ણાયક સાબિત થયું હતું.

5). બોલિંગ આક્રમણ: ભારતીય બોલરોએ પૂરી મેચ દરમિયાન અફઘાનિસ્તાનના બેટ્સમેનોને સ્થિર થવાની તક આપી નહોતી. પ્રસિદ્ધ ક્રિષ્ણાએ પ્રથમ ઇનિંગ્સમાં 3 વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં કુલદીપ યાદવે 3 વિકેટ લઈને અફઘાનિસ્તાનની હાર નિશ્ચિત કરી દીધી હતી. બીજી ઇનિંગ્સમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *