જામવાળાના જમજીરના ધોધમાં યુવાનોના જીવ સટોસટના સ્ટંટનો વીડિયો વાયરલ

કુદરતી સૌંદર્યથી ભરપૂર ગીર સોમનાથ જિલ્લાનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ ફરી એકવાર વિવાદ અને જોખમના કારણે ચર્ચામાં આવ્યો છે. ગીર ગઢડાના જામવાળા ગીર ખાતે શિંગોડા નદી…

કુદરતી સૌંદર્યથી ભરપૂર ગીર સોમનાથ જિલ્લાનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ ફરી એકવાર વિવાદ અને જોખમના કારણે ચર્ચામાં આવ્યો છે. ગીર ગઢડાના જામવાળા ગીર ખાતે શિંગોડા નદી પર આવેલા આ પ્રખ્યાત ધોધનો એક અત્યંત ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો કાયદા અને મોતના ડર વગર ધોધની ટોચ પરથી સીધી નીચે પાણીમાં છલાંગ લગાવતા નજરે પડી રહ્યા છે.

સ્થાનિક વહીવટીતંત્ર અને કલેક્ટર દ્વારા આ આ ધોધ નજીક જવા કે ન્હાવા પર કડક પ્રતિબંધ હોવા છતાં, યુવાનો દ્વારા જાહેરનામાનો સરેઆમ ઉલ્લાળીયો કરવામાં આવી રહ્યો છે. જો કે, વાયરલ થઈ રહેલો આ વીડિયો કેટલો સમય જૂનો છે અને આ જોખમી સ્ટંટ કરનારા યુવાનો ક્યાંના છે, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ આ વીડિયોએ તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

આ વિસ્તારમાં કાયદાનો ભંગ કરવાની આ કોઈ પહેલી ઘટના નથી. થોડા સમય પહેલાં જ ગાંધીનગર (કલોલ)ની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને 9 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી મોડલ પૂજા પ્રજાપતિ અને તેની બે બહેનપણીઓ સામે આ જ ધોધના કિનારે જોખમી રીતે રીલ્સ બનાવવા બદલ કોડીનાર પોલીસ મથકે બી.એન.એસ. 223 (જાહેરનામા ભંગ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે અધિક કલેક્ટર રાજેશ આલ અને ડીવાયએસપી મહાદેવ ચૌધરીની સૂચનાથી કડક કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

એટલું જ નહીં, આશરે 11 મહિના પહેલાં જાણીતી એક્ટ્રેસ ઝીલ જોષી સામે પણ આ જ સ્થળે પ્રતિબંધ હોવા છતાં વીડિયો શૂટ કરવા બદલ ગુનો નોંધાયો હતો. ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે જેવાકે જાહેરનામું માત્ર કાગળ પર જ કેમ? ધોધની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત કેમ રાખવામાં આવતો નથી? વારંવાર મોતના બનાવો બનવા છતાં પ્રવાસીઓ આટલી સરળતાથી ધોધની ટોચ સુધી કેવી રીતે પહોંચી જાય છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? ત્યારે ગીર સોમનાથ ની જનતા તંત્રસામે ઉપરોક્ત સવાલો નો શું જવાબ મળશે તેની સામે મીટ માંડીને બેઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *