જામનગરમાં ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ

ત્રણ દિવસના ચેકિંગ અભિયાનમાં કાર્યવાહી; હાઈવે પર અગાઉ સીલ કરાયેલા એકમોમાંથી 5ને ફરી તાળા: ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ વિના ચાલતા એકમો સામે કડક વલણ…

ત્રણ દિવસના ચેકિંગ અભિયાનમાં કાર્યવાહી; હાઈવે પર અગાઉ સીલ કરાયેલા એકમોમાંથી 5ને ફરી તાળા: ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ વિના ચાલતા એકમો સામે કડક વલણ

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેર તેમજ શહેરની આસપાસ આવેલા હાઈવે વિસ્તારના હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાવસાયિક એકમોમાં ફાયર સેફ્ટી નિયમોના અમલને સુનિશ્ચિત કરવા માટે વિશેષ ચેકિંગ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે. વનિયુક્ત કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ જામનગર ફાયર બ્રિગેડ શાખાના ઇન્ચાર્જ અધિકારી આશિ. કમિશનર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગ, ટીપીઓ શાખા, એસ્ટેટ શાખા સહિત મહાનગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા સંયુક્ત રીતે છેલ્લા એક મહિનાથી સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અભિયાનના પ્રથમ તબક્કામાં હાઈવે પર આવેલા અંદાજે 85 જેટલા હોટલ અને રેસ્ટોરન્ટોમાં ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 24 જેટલા હોટલ-રેસ્ટોરન્ટોમાં ફાયર એનઓસી મેળવવામાં આવી ન હોવાનું અથવા અગાઉ મેળવેલી એનઓસીની મુદત પૂર્ણ થઈ ગયેલી હોવાનું સામે આવતા સંબંધિત તમામ એકમોને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંચાલકો પાસેથી રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર લેખિત બાંહેધરી મેળવી, ફાયર એનઓસી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવાની શરતે એકમોને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

સમયમર્યાદા પૂર્ણ થતાં ફરી હાથ ધરાયેલી તપાસ દરમિયાન પાંચ જેટલા હોટલ-રેસ્ટોરન્ટોમાં કોઈપણ પ્રકારની નિયમિત પ્રક્રિયા શરૂ કરવામાં આવી ન હોવાનું સામે આવતા આ તમામ એકમોને ફરીથી સીલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય એકમોમાં ફાયર એનઓસી મેળવવા માટેની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
હાઈવે વિસ્તાર બાદ હવે શહેરના મધ્ય વિસ્તારોમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટ અને સમાન પ્રકારના વ્યાવસાયિક એકમો પર પણ ચેકિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં 35થી વધુ હોટલ-રેસ્ટોરન્ટોમાં સંયુક્ત ટીમો દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન 15 જેટલા હોટલ-રેસ્ટોરન્ટોમાં ફાયર એનઓસી મેળવવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હોવાનું તેમજ જરૂરી મંજૂરીઓનો અભાવ હોવાનું સામે આવતા સંબંધિત એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

જોકે બાદમાં સંચાલકો પાસેથી રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરીપત્ર મેળવી, ફાયર એનઓસી તથા બીયુ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવાની શરતે તેમને ફરીથી કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન સંબંધિત સંચાલકોને જરૂરી મંજૂરીઓ મેળવવી અથવા તેની પ્રક્રિયા શરૂ કરવી ફરજિયાત રહેશે.

મહાનગરપાલિકાની ફાયર શાખાના અધિકારી અનવર ગજ્જણે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી માત્ર એક વખત પૂરતી મર્યાદિત નથી, પરંતુ શહેર અને હાઈવે વિસ્તારના તમામ વ્યાવસાયિક એકમોમાં ફાયર સેફ્ટી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સતત અને અવિરત ધોરણે ચાલુ રહેશે. આગામી દિવસોમાં ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જો કોઈ સ્થળે ફાયર સેફ્ટી નિયમો, ફાયર એનઓસી અથવા બીયુ સર્ટિફિકેટ સંબંધિત ખામીઓ જોવા મળશે, તો આવા એકમો સામે ફરીથી સીલ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ અંગે સાઇનબોર્ડ લગાવવું હવે ફરજિયાત
જામનગર શહેરમાં અગ્નિસુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ નાગરિકોને જાહેર સ્થળોએ ઉપલબ્ધ સુરક્ષા સુવિધાઓ અંગે પારદર્શક માહિતી મળી રહે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા, ટી.પી.ઓ. શાખા તથા એસ્ટેટ શાખા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત શહેરની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, કેફે, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ, ફૂડ કોર્ટ અને જાહેર ઉપયોગની કોમર્શિયલ સંસ્થાઓના સંચાલકોને પોતાના ધંધાના મુખ્ય પ્રવેશદ્વાર (સ્ટોરફ્રન્ટ) બહાર ઓછામાં ઓછી 3 ફૂટ ડ્ઢ 3 ફૂટ કદનું માહિતીપ્રદ સાઇનબોર્ડ ફરજિયાત રીતે લગાવવા સૂચના આપવામાં આવી છે. સાઇનબોર્ડમાં સંસ્થાનું નામ, માલિકનું નામ, ફાયર એન.ઓ.સી. નંબર, ફાયર એન.ઓ.સી.ની માન્યતા તારીખ, બી.યુ. (બિલ્ડિંગ યુઝ) સર્ટિફિકેટ નંબર તથા તેની માન્યતા સંબંધિત વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *