ગોંડલમાં વ્યાજખોર મહિલાનો ત્રાસ: પ્રૌઢાનું 13 તોલા સોનું પડાવી લીધું

બીમાર પુત્રીની સારવાર માટે પ્રૌઢાએ દાગીના ગીરવે મૂકી વ્યાજે આઠ લાખ રૂપિયા લીધા હતાં ગોંડલમાં પ્રૌઢા વ્યાજે આપેલા રૂ. 8 લાખના બદલામાં વ્યાજખોર મહિલાએ 13…

બીમાર પુત્રીની સારવાર માટે પ્રૌઢાએ દાગીના ગીરવે મૂકી વ્યાજે આઠ લાખ રૂપિયા લીધા હતાં

ગોંડલમાં પ્રૌઢા વ્યાજે આપેલા રૂ. 8 લાખના બદલામાં વ્યાજખોર મહિલાએ 13 તોલા સોનું પડાવી લીધું હતું. પ્રૌઢાએ બિમાર પુત્રીની સારવાર માટે દાગીના ગીરવે મૂકી વ્યાજે નાણા લીધા હતાં. જેમાં રૂ.2.60 લાખ વ્યાજ ચૂકવી પણ દીધુ હતું. બાદમાં મૂળ રકમ લઇ દાગીના છોડાવવા જતા આરોપીએ વધુ 13 લાખની માગણી કરી હતી. જે અંગે મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગોંડલના કૈલાશબાગમાં ભાડાના મકાનમાં રહેતા ભાનુબેન કિરણભાઇ વિરડીયા(ઉ.વ.56) એ ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનીષાબેન ઉર્ફે ચકકુબેન પિયુષભાઇ ખીલોસિયા (રહે. સરવૈયા શેરી, ગોંડલ) અને કલ્પેશનું નામ આપ્યું છે.

પ્રૌઢાએ જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક દિકરી તથા એક દિકરો છે. દિકરી પુજાબેન (ઉ.વ.33) ના લગ્ન ચાર વર્ષ પહેલા રાજકોટ ખાતે થયા હતા 5રંતુ પુજાને બન્ને પગની નસ બ્લોક થઇ જતાં તેના છુટાછેડા થઇ ગયા હતા જેથી ત્રણ વર્ષથી પુજા માતા સાથે રહે છે. જયારે પુત્ર હરીત (ઉ.વ.30)ના લગ્ન આશરે આઠ વર્ષ પહેલા ઉતરપ્રદેશના બનકટીયા ગામ ખાતે થયા હતા. જેનાથી તેને એક દીકરી રિધ્ધિ (ઉ.વ.6) છે. હાલ તે બન્ને તેમના પિયરમાં રહે છે. હરિત અલખના ઓટલા પાસે મેડીકલમાં નોકરી કરે છે. ફરિયાદીના પતિ કિરણભાઈ આશરે છ વર્ષ પહેલા મરણ ગયેલ છે.

પ્રૌઢાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પુત્રી પુજાની બન્ને પગની નસ બ્લોક થઇ જતાં સારવાર અર્થે પૈસાની જરૂરિયાત ઉભી થતાં શેરીમા રહેતા મનિષાબેન ઉર્ફે ચક્કુબેન પિયુષભાઇ ખિલોસીયા કહ્યું હતું કે, તમારે પૈસાની જરૂર હોય તો મને તમારૂ સોનું આપી દો અને હું તમને સોના ઉપર વ્યાજે પૈસા આપીશ. જેથી ફરિયાદીએ મનિષાબેનને એક સોનાની માળા,સોનાનો ચેન, સોનાનુ મંગળ સુત્ર, સોનાના હાથમા પહેરવાના પાટલા, સોનાની આઠ વીટી, ચાર નંગ સોનાની બુટી, ચાર નંગ સોનાના સાકળા મળી કુલ 13 તોલા સોનુ આપ્યું હતું. જે સોના અંગે મનીષાબેનએ એક કાચી ચિઠ્ઠી બનાવી કટકે કટકે રૂ. 8 લાખ બે ટકા વ્યાજે આપ્યા હતા. જેની સામે ફરિયાદીએ વ્યાજ પેટે રૂ.2.60 લાખ ચૂકવ્યા હતા.

ત્યારબાદ પૈસાની સગવડતા નહિ હોવાથી 20 મહિનાથી વ્યાજ ચૂકવ્યું ન હતું. જે દરમિયાન સંબંધી સુમીતાબેને કહ્યું હતું કે, હું મારા સંબંધી પાસેથી તમને રૂ.8 લાખ અપાવુ છુ, જે તમે મનિષાબેનને આપી તમારા દાગીના છોડાવી લેજો. જેથી ફરિયાદી ગત તા.03/06/2026 ના રોજ બહેનપણી મીનાબેન ગૌસ્વામી સાથે મનીષાબેન પાસે ગઇ હતી. મનિષાબેનને વાત કરેલ કે, મેં તમારી પાસેથી લીધેલા રૂ. 8 લાખ પરત આપવા માંગુ છું પણ પૈસાની વ્યવસ્થા નહિ હોવાથી તમને વ્યાજ આપી શકીશ નહિ, તમે મને મારા દાગીના પરત આપી દો તેમ કહેતા તેણે મહિલાની બહેનપણીને ઘરની બહાર કાઢી મૂકી હતી. બાદ ફરિયાદીને તેમના ઘરના રૂમમાં બોલાવી, દરવાજો અંદરથી બંધ કરી દિધેલ હતો.

જયા મનિષાબેન તથા તેમનો ભાઇ કલ્પેશભાઇ હાજર હતા. બંને કહેવા લાગ્યા હતા કે, હવે પછી તમે મારા ઘરે આવતા નહિ અને તમારૂ સોનુ તમે ભુલી જજો નહીંતર સારાવાટ નહિ રહે, તમારે સોનુ પરત જોતું હોય તો રૂ. 13 લાખ ચૂકવવા પડશે કહી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.

બાદ ગઇ તા.04/06/2026 ના સાંજના નવ વાગ્યે મનિષાબેન ઘરે આવી કહેવા લાગ્યા હતા કે, હવે પછી તમે મારા ઘરે આવતા નહીં, તમારી અને મારી વચ્ચે થયેલા 13 તોલા સોનાનો વહીવટ હવે પુરો થઇ ગયો છે કહી જતા રહ્યા હતા.જેથી આ ફરિયાદ નોંધાવી છે.

1.38 લાખની સામે બહેનપણીનું પણ સાત તોલા સોનું પડાવી લીધું હતું
પ્રૌઢાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, તેની બહેનપણી સુમીતાબેન નિકેસભાઈ વાઘેલાએ તેમને વાત કરી હતી કે, તેમણે પણ મનિષાબેનને ત્યા આશરે 7 તોલા સોનુ ગીરવે મૂકી વર્ષ 2019 માં રૂ.1.38 લાખ 2 ટકા વ્યાજે લીધા હતા. જે સોનું છોડાવવા જતાં તેણે રૂ. 3.50 લાખની માંગણી કરી હતી. જેથી ફરીયાદ કરવાનું કહેતા મનીષાબેનએ ઉશ્કેરાઇ કહ્યું હતું કે, મેં તમારુ આ સાત તોલા સોનુ વિજયભાઇને વેચી નાખ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *