ભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડ

રાજકોટ શહેરના થોરાળાના 80 ફૂટ રોડ પર એક ચોંકાવનારી અને પારિવારિક અદાવતની ઘટના સામે આવી છે. જેમાં સગા ભત્રીજાએ કાકાનો ધંધો સારો ચાલતો હોવાની અદાવત…

રાજકોટ શહેરના થોરાળાના 80 ફૂટ રોડ પર એક ચોંકાવનારી અને પારિવારિક અદાવતની ઘટના સામે આવી છે. જેમાં સગા ભત્રીજાએ કાકાનો ધંધો સારો ચાલતો હોવાની અદાવત રાખી ઓફિસમાં ભારે તોડફોડ મચાવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ, આબેડકર નગર ગેટ સામે આવેલા ’શ્રી રામ ટ્રેડિંગ પતરાના કારખાના’ ના માલિક કાળુભાઈ ચકુભાઈ ચાંડપાએ તેમના જ ભત્રીજા ધર્મેશભાઈ પ્રફુલભાઈ ચાંડપા વિરુદ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી ધર્મેશ અગાઉ કાળુભાઈ સાથે શ્રી રામ ટ્રેડિંગમાં ધંધામાં ભાગીદાર તરીકે કામ કરતો હતો. પરંતુ આશરે દોઢ વર્ષ પહેલાં તેને રૂપિયાની તાતી જરૂરિયાત ઊભી થતાં તે પોતાના હિસ્સાના તમામ પૈસા લઈને ધંધામાંથી કાયદેસર રીતે જુદો થઈ ગયો હતો. ત્યાર બાદ કાળુભાઈ એકલા જ આ વેપાર ચલાવતા હતા અને હાલમાં તેમનો પતરા તથા પાઇપનો ધંધો ખૂબ જ સારો ચાલતો હતો. સગા કાકાનો ધંધો આ રીતે વેગ પકડતો જોઈને ભત્રીજા ધર્મેશના મનમાં ઈર્ષ્યા અને ખાર પેદા થયો હતો, જેનો બદલો લેવા માટે તેણે આ હિંસક માર્ગ અપનાવ્યો હતો.

આ ઘટના ગત મંગળવાર એટલે કે 2 જૂન 2026 ના રોજ રાત્રિના આશરે આઠ વાગ્યાની આસપાસ બની હતી. કાળુભાઈ કારખાનાની ઓફિસની ઉપર આવેલા રૂમમાં પોતાના પરિવાર સાથે હાજર હતા, ત્યારે અચાનક નીચે ઓફિસમાંથી તોડફોડનો મોટો અવાજ સંભળાયો હતો. તેઓ તુરંત નીચે દોડી આવ્યા ત્યારે ઓફિસનો તમામ સામાન વેરવિખેર અને તૂટેલી હાલતમાં પડ્યો હતો. તે સમયે બહાર તેમનો ભત્રીજો ધર્મેશ, ભાઈ નવીનભાઈ અને ભાણેજ દીપક ઊભા હતા.

કોઈ વધુ અઘટિત ઘટના ન બને તે માટે કાળુભાઈએ તુરંત 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. આરોપી ધર્મેશભાઈ ચાંડપાએ ઓફિસની અંદર ઘૂસીને તમામ કિંમતી સાધનોને નિશાન બનાવ્યા હતા. સીસીટીવી અને પોલીસ ફરિયાદના આધારે, ઓફિસમાં રાખેલું આશરે રૂપિયા 7,000 ની કિંમતનું એલઈડી ટીવી, રૂપિયા 20,000 ની કિંમતનું લેપટોપ, રૂપિયા 15,000 નું પ્રિન્ટર, રૂપિયા 8,500 નું નોટો ગણવાનું મશીન તેમજ આશરે રૂપિયા 3,000 ની કિંમતના ટેબલ-ખુરશી સહિત કુલ રૂપિયા 53,500ના સામાનની તોડફોડ કરી મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *