જસદણ શહેરમાંથી જમીનની અને વ્યાપારિક ઇર્ષાના કારણે એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જસદણના જુના બસ સ્ટેશન મેઇન રોડ પર આવેલી પોતાની માલિકીની ત્રણ દુકાનો ઉંચા ભાવે વેચી દેવાની અદાવત રાખીને પાડોશી મકાન માલિકે યુવક પર લોખંડની કુહાડી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં યુવકને માથાના તેમજ ખંભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, જિલ્લા પંચાયત રાજકોટના જસદણ સિંચાઇ પેટા વિભાગમાં કોન્ટ્રાકટ બેઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતા અને જસદણ રહેતા બલવીરભાઇ દિનેશભાઇ ધાધલ (ઉં.વ. 37) નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિનેશ ગીડાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ જસદણ સિંચાઇ પેટા વિભાગમાં કોન્ટ્રાકટ બેઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતા બલવીરભાઈએ વર્ષ 2020માં જસદણ જુના બસ સ્ટેશન મેઇન રોડ પર ક્રિષ્ના ઓટો એજન્સીની બાજુમાં 114 વાર જમીન ખરીદી હતી. આ જમીન પર આવેલું જુનું મકાન તોડી તેમણે ત્યાં ત્રણ નવી દુકાનોનું બાંધકામ કર્યું હતું. આ દુકાનોની બાજુમાં જ આરોપી દિનેશભાઈ રામભાઈ ગીડાનું મકાન આવેલું છે.
આરોપી આ જગ્યા ઓછા ભાવે ખરીદવા માંગતો હતો, પરંતુ બલવીરભાઇએ તાજેતરમાં જ આ ત્રણેય દુકાનો અન્ય લોકોને ઉંચા ભાવે વેચી દીધી હતી. આ બાબતની ઇર્ષા રાખીને આરોપી દિનેશ ગીડાએ આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલ તારીખ 04/06/2026ના રોજ સવારે આશરે 11:00 વાગ્યાની આસપાસ, બલવીરભાઇ પોતાની દુકાનો પાસે ચાલી રહેલા પાર્કિંગ શેડના સેન્ટીંગ કામની દેખરેખ રાખવા માટે મોટરસાયકલ નંબર જીજે -03-બીએન -1030 લઇને આવ્યા હતા. તેઓ જ્યારે પોતાના બાઇક પર બેઠા હતા, ત્યારે પાછળથી અચાનક લોખંડની કુહાડી સાથે ધસી આવેલા આરોપી દિનેશભાઈ ગીડાએ તેમને જાનથી મારી નાખવાના ઇરાદે માથાના પાછળના ભાગે કુહાડીનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો. હુમલાના કારણે બલવીરભાઇ બાઇક સહિત જમીન પર ઢળી પડ્યા હતા. તેમ છતાં આરોપીએ ક્રૂરતાપૂર્વક બીજો ઘા જમણા કાન પર અને ત્રીજો ઘા જમણા ખંભા પર મારી દીધો હતો.
ઘટનાસ્થળે લોહીલુહાણ હાલતમાં બૂમાબૂમ થતાં આસપાસના મજૂરો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બલવીરભાઇને વધુ મારમાંથી બચાવ્યા હતા. હુમલા બાદ ઘટનાસ્થળેથી પસાર થઇ રહેલા ફરિયાદીના મિત્ર ધવલભાઇ ચોલેરાએ તેમને તાત્કાલિક જસદણ સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ ગંભીર ઇજાઓ હોવાથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. આ અંગે જસદણ પોલીસે ભોગ બનનાર બલવીરભાઇ ધાધલની ફરિયાદના આધારે આરોપી દિનેશભાઈ રામભાઈ ગીડા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
