ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક યુવકની પત્ની રિસામણે જતી રહેતા યુવકે કંટાળીને કુંભારવાડા મિલની ચાલી પાસેથી પસાર થતી ટ્રેન તળે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા મીલની ચાલી પાસેથી રાત્રે ભાવનગર-બોટાદ પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી. જે દરમિયાન એક યુવક એકાએક ટ્રેન તળે આવી ગયાની જાણ ટ્રેનના લોકો પાયલોટને થતાં ટ્રેનને રોકી દેવામાં આવી હતી. જે દરમિયાન ટ્રેન તળેથી યુવકના બે કટકા થઈ ગયેલી હાલતે મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
મરનાર યુવાન કુંભારવાડા મિલની ચાલી નજીક રહેતા યાસીનભાઈ ઉર્ફે નાયો હનીફભાઈ સમા ઉં. વ.33 હોવાનું ખુલવા પામ્યું છે. યુવકની પત્ની છેલ્લા કેટલાક સમયથી રિસામણે પિયરમાં હોય જેને પરત લાવવા માટે અનેક વાર કહ્યા છતાં તેની પત્ની પરત ઘરે ન આવતા યુવકે માનસિક કંટાળી જઈને ટ્રેન તળે આપઘાત કર્યો હતો. ઘટના બાદ યુવકની લાશને સર ટી. હોસ્પિટલમાં ખસેડાતા, પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
