રશિયન ટીનેજર મિરા ઍન્ડ્રીવાએ ગઇકાલે યુક્રેનની માર્ટા કોસ્ત્યુકને અહીં ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઇનલમાં 6-1, 6-3થી હરાવી દીધી ત્યાર બાદ સ્વાભાવિક રીતે બન્ને ખેલાડીઓએ એકમેક સાથે હાથ નહોતા મિલાવ્યા અને તેમણે ભેગા થઈને ફોટા માટે પોઝ પણ નહોતા આપ્યા.
ચાર વર્ષથી રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે. હાલમાં આ યુદ્ધ ચરમસીમાએ છે. મિરા યુક્રેનની હરીફ કોસ્ત્યુકને પરાજિત કરીને પહેલી જ વખત ગ્રેન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી છે. મેચ બાદ કોસ્ત્યુક ઝડપથી ટેનિસ કોર્ટની બહાર દોડી ગઈ હતી. તે હારી હતી, પણ મેચ દરમ્યાન પોતાને ચિયર-અપ કરનાર પોતાના દેશ-તરફી પ્રેક્ષકોને ફ્લાઇંગ કિસ આપતી-આપતી ગઈ હતી.
સામાન્ય રીતે મેચ બાદ બેઉ હરીફ પ્લેયરો એકમેક સાથે હાથ મિલાવે, પરંતુ આ કિસ્સામાં બન્ને પ્લેયર વચ્ચે નેટ પર હાથ મિલાવવાની ઘટના તો બની જ નહોતી, બન્ને ખેલાડીએ અલગ રીતે બાળકો સાથે ઊભા રહીને ફોટા પડાવ્યા હતા. બીજી સેમિ ફાઇનલ રશિયાની ડાયેના સ્નાઇડર અને પોલેન્ડની મેયા શ્વાલિસ્કા વચ્ચે હતી.
