નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ અને પુત્ર-પુત્રીની જામીન અરજી રદ

નિવૃત્ત ડીવાયએસપીને જામીન આપવામાં આવે તો વગનો દુરુપયોગ કરે તેવી શક્યતા: પોલીસ સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન વિવાદને પગલે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ…

નિવૃત્ત ડીવાયએસપીને જામીન આપવામાં આવે તો વગનો દુરુપયોગ કરે તેવી શક્યતા: પોલીસ

સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમીન વિવાદને પગલે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુનામાં સંડોવાયેલા નિવૃત્ત ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અશોકસિંહ પ્યારેલાલ ચૌહાણ અને તેમની પુત્રી ખ્યાતિ અને પુત્ર સિદ્ઘાર્થની નિયમિત જામીન અરજી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. એડિશનલ સેશન્સ જજ જયેશકુમાર ઈશ્વરલાલ પટેલે ગુનાની ગંભીરતા અને તપાસ ચાલુ હોવાની બાબતને ધ્યાને રાખીને આરોપીને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યો છે. હવે આરોપીઓ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરશે. નોંધનીય છે કે, નિવૃત્ત ડીવાયએસપીને જામીન આપવામાં આવે તો વગનો દુરુપયોગ કરે તેવી શક્યતા પોલીસે એફિડેવિટમાં રજૂઆત કરી હતી.

જામીન અરજીમાં આરોપી અશોકસિંહ ચૌહાણ સહિત ત્રણે વતી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેમની જમીન પર કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કબ્જો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના પરિવારને ધમકી આપી હતી. આથી, પોતાના અને પરિવારના સ્વબચાવમાં તેમણે જમીન પર માત્ર ડર પેદા કરવા માટે લાઈસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું, કોઈને જાનથી મારી નાખવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. આ ઘટનામાં કોઈને ઈજા પણ થઈ નથી અને હથિયાર પણ પોલીસમાં જમા કરાવી દેવાયું છે.

સામે પક્ષે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે અને મૂળ ફરિયાદીના વકીલ શ્રીધર દેરાસરીએ આ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. ફરિયાદી તરફથી આક્ષેપ કરાયો હતો કે આરોપી નિવૃત્ત ઉુજઙ હોવા છતાં કાયદાનો કોઈ ડર રાખ્યા વિના પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂૂપે લક્ઝુરિયસ કારમાં આવ્યા હતા અને જાહેર સ્થળે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમાંથી બે રાઉન્ડ સીધા ફરિયાદીને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, પરંતુ ફરિયાદી ખસી જતાં તેમનો બચાવ થયો હતો.

ઘટનાસ્થળેથી પાંચ ખાલી કારતૂસ પણ મળી આવ્યા છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઉપરાંત, ઘટના સમયે પુત્ર લોખંડનો સળિયો અને પુત્રી લોખંડની પાઇપ સાથે હાજર હતા. આ સમગ્ર બનાવ સાક્ષીના ફોનમાં રેકોર્ડ થયો છે, જે વીડિયો પુરાવા તરીકે જપ્ત કરાયો છે. આરોપી સામે ભૂતકાળમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધાયેલો છે. આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડાં કરે અથવા સાક્ષી ફોડે તેવી શક્યતા છે ત્યારે જામીન ન આપવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *