રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી સ્થિત ઠાકોર મૂળવાજી વિનયન કોલેજમાં પર્યાવરણને થયેલા નુકસાનનો ગંભીર મામલો સામે આવ્યો છે. સ્થાનિક નાગરિક જતિનભાઈ જાનીએ કલેક્ટરને કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, કોલેજના પ્રિન્સિપાલ ડો. અલ્પેશ જોશીએ કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી વિના કોલેજ પરિસરમાં આવેલા 12 વર્ષ જૂના 27 સપ્તપર્ણી વૃક્ષો કપાવી નાખ્યા હતા.
ફરિયાદ મુજબ, આ વૃક્ષો રોડ્સ એન્ડ બિલ્ડિંગ (RB) વિભાગ દ્વારા વાવવામાં આવેલી સરકારી સંપત્તિનો હિસ્સો હતા, જેમને પ્રિન્સિપાલે કોઈ પણ કાયદેસરની પ્રક્રિયા વિના કાપી નાખ્યા. પર્યાવરણ પ્રેમીઓના વિરોધ બાદ પ્રિન્સિપાલે માત્ર 20 વૃક્ષો કાપવા બદલ ઔપચારિક માફી પત્ર લખ્યો હતો, પરંતુ વાસ્તવિકતામાં 27 વૃક્ષો કપાયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.આક્ષેપ છે કે, ઘટનાને ઢાંકવા માટે બાદમાં વન વિભાગ દ્વારા અન્ય સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પ્રિન્સિપાલની વગ તેમજ ધર્મગુરુઓના આશીર્વાદના કારણે મામલો દબાવી દેવામાં આવ્યો હતો.
અરજદાર જતિનભાઈ જાનીએ પુરાવા તરીકે વીડિયો CD પણ રજૂ કરી છે અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 379, 425, 427, 441, 447, 409 તથા 166 હેઠળ ફોજદારી કેસ નોંધવાની માંગ કરી છે. દરેક કપાયેલા વૃક્ષ દીઠ ઓછામાં ઓછો 3,000નો દંડ વસૂલવામાં આવે.સરકારી સેવા નિયમો હેઠળ જવાબદારી નક્કી કરી પ્રિન્સિપાલના સર્વિસ રેકોર્ડમાં વિપરીત નોંધ કરવામાં આવે.
