સાસરિયાના ત્રાસથી પીડાતી પરિણીતાને લગ્નની લાલચ આપી કુટુંબી દિયરનું દુષ્કર્મ

અમદાવાદની હોટેલમાં મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો હતો, સગા-સંબંધીઓ બંનેને શોધીને પરત રાજકોટ લઈ આવ્યા હતા ત્યારે પતિએ અપનાવવાની ના પાડી દીધી ગર્ભવતી બન્યા બાદ ’પેટમાં…

અમદાવાદની હોટેલમાં મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો હતો, સગા-સંબંધીઓ બંનેને શોધીને પરત રાજકોટ લઈ આવ્યા હતા ત્યારે પતિએ અપનાવવાની ના પાડી દીધી

ગર્ભવતી બન્યા બાદ ’પેટમાં મારું બાળક છે કે નહીં?’ કહી યુવકે તેણીને તરછોડી દીધી: દીકરીના જન્મ બાદ અંતે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

રાજકોટ શહેરમાંથી મહિલાઓ પર થતા અત્યાચાર અને શારીરિક શોષણની એક અત્યંત ચોંકાવનારી અને હીન ઘટના સામે આવી છે. સાસરિયા પક્ષના અસહ્ય ત્રાસથી કંટાળી ગયેલી એક પરિણીતાને મદદ કરવાના બહાને તેના જ કુટુંબી દિયરે પોતાની જાળમાં ફસાવી હતી. લગ્ન કરી લેવાની ખોટી લાલચ આપી આ યુવકે મહિલાની મરજી વિરૂદ્ધ અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. ભોગ બનનાર મહિલાએ ગર્ભવતી થયા બાદ તાજેતરમાં જ એક બાળકીને જન્મ આપ્યો છે, પરંતુ યુવકે તેને અને બાળકીને સ્વીકારવાનો સાફ ઈનકાર કરી દેતા આખરે પીડિતાએ રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી છે.

પોલીસે આ મામલે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેના લગ્નના એકાદ વર્ષ બાદ જ સાસરીયા પક્ષ દ્વારા નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. આ અસહ્ય ત્રાસના કારણે પરિણીતા ભારે માનસિક તણાવમાં જીવતી હતી. આ દરમિયાન સગપણમાં જ થતો કરણ નામનો યુવાન અવારનવાર તેમના ઘરે આવતો હોવાથી તેની સાથે પરિચય થયો હતો. એક દિવસ પરિણીતાને રડતી જોઈને કરણે તેની પરેશાનીનું કારણ પૂછતાં તેણીએ પોતાની આપવીતી જણાવી હતી.

આ સમયે કરણે ’ભાભી હું તમારી સાથે જ છું, તમે ચિંતા ન કરો’ તેમ કહીને સહાનુભૂતિ દર્શાવી મોબાઈલ નંબરની આપ-લે કરી હતી.દરમિયાન પરિણીતા ગર્ભવતી થતાં તેણે કરણને આ અંગે જાણ કરી હતી. તે સમયે કરણે ટૂંક સમયમાં જ ભાગીને લગ્ન કરી લેવાની ખાતરી આપી હતી અને ત્રણ મહિના પછી તે પરિણીતાને ભગાડીને અમદાવાદ લઈ ગયો હતો. અમદાવાદમાં ઇસ્કોન ચોકડી પાસે આવેલી એક હોટેલમાં તેઓ એક દિવસ રોકાયા હતા, જ્યાં પણ કરણે તેણીની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો હતો. જો કે, બે દિવસ બાદ સગા-સંબંધીઓ બંનેને શોધીને પરત રાજકોટ લઈ આવ્યા હતા. આ ઘટના બાદ પરિણીતાના પતિએ તેને અપનાવવાની સ્પષ્ટ ના પાડી દેતા તે પોતાના માવતરે રહેવા ચાલી ગઈ હતી.

માવતરે ગયા બાદ પરિણીતાએ ફરીથી કરણને બોલાવીને લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. પરંતુ આ વખતે કરણે પોતાનો અસલી રંગ બતાવતા ’હવે હું તને રાખવા નથી માંગતો’ તેમ કહી દીધું હતું. પરિણીતાએ જ્યારે તેને લગ્નના વાયદા યાદ અપાવ્યા, ત્યારે કરણે અત્યંત નિર્દયતાપૂર્વક કહ્યું કે, ’તારા પેટમાં મારું જ બાળક છે તેની શું ખબર? હવે મારે તું જોઈતી નથી’. આ ઘટના બાદ જ્ઞાતિના આગેવાનો અને પરિવારે સમાધાનના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ કરણ પીડિતાને સ્વીકારવા તૈયાર થયો ન હતો. પાંચ દિવસ પહેલા જ પીડિતાએ એક દીકરીને જન્મ આપ્યો છે, ત્યારે પોતાની અને દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અંતે પરિણીતાએ નરાધમ કરણ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જી. આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ. એન. શ્યોરાએ આ મામલે વિશેષ તપાસ શરૂ કરી છે.

તમે મને ખૂબ ગમો છો, પતિને છોડી દેશો તો હું તમારી સાથે લગ્ન કરીશ
એક દિવસ કરણે પરિણીતાને તેના પતિને છોડી દેવા માટે દબાણ કર્યું હતું. જ્યારે પરિણીતાએ પતિને છોડીને ક્યાં જવું તેવો સવાલ કર્યો, ત્યારે કરણે જણાવ્યું કે ‘તમે મને ખૂબ ગમો છો, જો તમે પતિને છોડી દેશો તો હું તમારી સાથે લગ્ન કરીશ’. સાસરિયાના ત્રાસથી કંટાળેલી અને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલી પરિણીતાને કરણની વાતો પર વિશ્વાસ બેસી ગયો હતો અને તેણીએ પણ લગ્ન માટે હા પાડી દીધી હતી. આ વાતના થોડા સમય બાદ, આશરે નવેક મહિના પહેલા જ્યારે પરિણીતા ઘરે એકલી હતી, ત્યારે આરોપી કરણ તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી હતી. પરિણીતાએ લગ્ન પછી જ બધું શક્ય બનશે તેમ કહેવા છતાં, આરોપીએ ’મેં મારા ઘરે વાત કરી લીધી છે અને હું તારી સાથે જ લગ્ન કરવાનો છું’ તેમ કહીને તેની પર બળજબરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *