લેબનોન પર ઇઝરાયલના હુમલાથી ટ્રમ્પનો પિત્તો ગયો, મિડલ ઇસ્ટ ક્રાઇસીસમાં વધારો કરવાનો આક્ષેપ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુથી ઘણા નિરાશ છે અને તેમની વચ્ચે તાજેતરમાં થયેલી વાતચીતથી આ વાત બિલકુલ સાફ થઈ ગઈ છે. આ વાતચીતથી માહિતગાર એક અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રમ્પે નેતન્યાહુને કહ્યું છે કે, તું તો સાવ પાગલ છે. જો હું ન હોત, તો તું અત્યાર સુધી જેલમાં હોત. હું તારો જીવ બચાવી રહ્યો છું.
અમેરિકન ન્યૂઝ વેબસાઇટ Axiosના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પને ચિતા હતી કે લેબનોનમાં ચાલી રહેલા હુમલા મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો અને ઇરાન સાથે ચાલી રહેલી વાતચીતને નુકસાન પહોંચાડી શકે છે. આ જ કારણે તેમણે નેતન્યાહુ સાથે ફોન પર સીધી વાત કરી અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ રિપોર્ટમાં વાતચીતથી પરિચિત બે સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પે નેતન્યાહુને ‘પાગલ’ સુધી કહી દીધું અને દાવો કર્યો કે તેમણે તેમને રાજકીય અને કાનૂની પડકારોનો સામનો કરવામાં મદદ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમની સામે ચાલી રહેલો ભ્રષ્ટાચારનો કેસ પણ સામેલ છે.
એક અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે નેતન્યાહુને કહ્યું કે, ‘તું તો બિલકુલ પાગલ છે. જો હું ન હોત, તો તું અત્યાર સુધી જેલમાં હોત. હું તારો જીવ બચાવી રહ્યો છું. હવે દરેક વ્યક્તિ તારાથી નફરત કરે છે. આ જ કારણે દરેક વ્યક્તિ ઇઝરાયેલથી પણ નફરત કરે છે.’
આ વાતચીતથી પરિચિત અન્ય એક સૂત્રે જણાવ્યું કે, ટ્રમ્પ સ્પષ્ટ રીતે ગુસ્સામાં હતા અને એક સમયે તો તેમણે નેતન્યાહુ પર બૂમો પાડતા પૂછ્યું, ‘તું આખરે શું કરી રહ્યો છે?’ આ તીખી ચર્ચા એવા સમયે થઈ, જ્યારે વોશિગ્ટનમાં આ વાતને લઈને ચિતાઓ હતી કે લેબનોનમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીથી પ્રાદેશિક તણાવ વધુ વધી શકે છે અને મિડલ ઈસ્ટમાં રાજદ્વારી પ્રયાસોમાં મુશ્કેલીઓ આવી શકે છે.
સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે, વાતચીત દરમિયાન ટ્રમ્પનો ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેમણે નેતન્યાહુને પૂછ્યું કે આખરે તેઓ વિસ્તારમાં તણાવ વધારનારા પગલાં કેમ ભરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પનું માનવું હતું કે આવા હુમલા ન માત્ર ઇરાન સાથે યુદ્ધવિરામની સંભાવનાઓને નબળી પાડશે, પરંતુ આખા વિસ્તારને ફરીથી મોટા સંઘર્ષ તરફ ધકેલી શકે છે.
ખરેખર, ઇરાને પહેલાં લેબનોનમાં ચાલી રહેલી ઇઝરાયેલી કાર્યવાહીનો હવાલો આપતા વાર્તા પ્રક્રિયામાંથી પાછળ હટવાના સંકેત આપ્યા હતા. આ પછી ટ્રમ્પે સક્રિય ભૂમિકા ભજવી અને ઇઝરાયેલની સાથે-સાથે હિઝબુલ્લાહ સાથે જોડાયેલા પક્ષોનો પણ સંપર્ક સાધ્યો હતો. બાદમાં તેમણે દાવો કર્યો કે બંને પક્ષો હવે એકબીજા પર વધુ હુમલા નહીં કરે. જો કે, ટ્રમ્પ સાથેની વાતચીત પછી નેતન્યાહુએ સાફ કરી દીધું કે જો હિઝબુલ્લાહ તરફથી હુમલા ચાલુ રહેશે તો ઇઝરાયેલ બેરૂૂત સહિત અન્ય વિસ્તારોમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવતું રહેશે. તેમણે કહ્યું કે, દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાનું અભિયાન પહેલાની જેમ જ ચાલુ રહેશે.
ઇરાન સાથે સમજૂતીની આશા
ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ઇરાન સાથે યુદ્ધવિરામને આગળ વધારવા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી પૂરી રીતે ખોલવા અંગે ટૂંક સમયમાં કોઈ સમજૂતી થઈ શકે છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ઇરાન સાથે શાંતિ સમજૂતી કોઈ સૈન્ય જીત કરતાં પણ વધુ સારી સાબિત થઈ શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ સમજૂતી ક્યાં સુધી શક્ય છે, તો ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે આગામી 1 અઠવાડિયાની અંદર આ દિશામાં મહત્વની પ્રગતિ જોવા મળી શકે છે.
