ગોંડલ અને વેરાવળમાં બે યુવતીએ એસિડ પી લેતાં સારવારમાં ખસેડાઈ
ટંકારામાં રહેતાં શ્રમિક યુવકને અજાણ્યા શખ્સો મજુરી કામ માટે બોલાવવા આવ્યા હતાં. પરંતુ યુવકે મજુરી કામ માટે જવાની ના પાડતાં અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. જે હુમલામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાને પણ ઈજા પહોંચી હોવાના આક્ષેપ સાથે પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ટંકારામાં રહેતાં મુળ મધ્યપ્રદેશના કલસિંગ ગલીયા ડાઈમા નામના 45 વર્ષના પ્રૌઢ પોતાના ઘર પાસે હતાં ત્યારે બપોરના સમયે અજાણ્યા શખ્સોએ હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત પ્રૌઢનો પુત્ર અર્જુનને અજાણ્યા શખ્સો મજુરી કામ માટે બોલાવવા આવ્યા હતાં. પરંતુ પુત્રએ કામ પર જવાની ના પાડતાં અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા કલસિંગ ડાઈમા ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં ગોંડલમાં આવેલી દોમડીયા સોસાયટીમાં રહેતી ઈલાબેન ચેતનભાઈ ચૌહાણ (ઉ.20) અને વેરાવળમાં સરકારી હોસ્પિટલ પાસે રહેતી ખુશીબેન ઉર્ફે ખુશ્બુબેન જીતુસિંગ (ઉ.18) નામની બન્ને યુવતી પોતપોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. બન્ને યુવતીને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
