ગોંડલનાં રાજકારણમાં હવે વીડીયો વોર શરુ થઇ છે.બે કટ્ટર જુથો વચ્ચે ની આ વોર ચર્ચાસ્પદ બની છે.ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતો એક ઉશ્કેરણીજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પિયુષભાઈ લાલજીભાઈ રાદડિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 196(1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મદનસિંહ જેઠુસિંહ ચૌહાણ દ્વારા મોહન પાર્ક-1 માં રહેતા પિયુષભાઈ લાલજી ભાઈ રાદડિયા સામે ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગત મુજબ પોલીસને 31/05/2026 ના રોજ બપોરે 13:15 કલાકે માહીતી પ્રાપ્ત થઈ હતી.
પોલીસની સર્વેલન્સ સ્ક્વોડ સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી, તે દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર “atthistimegondal’ નામની આઈડી પરથી એક વીડિયો વાયરલ થયેલો જોવા મળ્યો હતો. અંદાજિત 1 મિનિટ અને 30 સેક્ધડના આ વીડિયોમાં પિયુષ રાદડિયા ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં આરોપીએ નિવેદન આપ્યું હતું કે, નીલેશ રૈયાણી મર્ડર કેસમાં જયરાજસિંહના જામીન રદ કરાવવા માટે તે અને જગદીશભાઈ સાટોડીયા સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરવાના છે. વધુમાં, અશોકભાઈ પીપળીયા પર આક્ષેપ કરતા તેણે જણાવ્યું હતું કે દેવ સાટોડીયા નામના વ્યક્તિને જ્યારે માર માર્યો ત્યારે કાળી રાતે તેના પિતાને દબાવી, ધમકાવીને ફરિયાદ પાછી ખેંચાવવામાં આવી હતી.
આરોપીએ વીડિયોમાં જાહેર પ્લેટફોર્મ પર ધમકીભર્યા સ્વરમાં કહ્યું હતું કે, પટેલના દીકરાઓને કોઈને મારવાનું ધમકાવવાનું બંધ કરી દયો નહીંતર હવે સહન નહીં કરી, હું ખુલ્લો સમર્થનમાં આવીશ. આ પ્રકારના નિવેદનોથી ગોંડલમાં ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે દુશ્મનાવટ અને વૈમનસ્ય ફેલાય તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવી પૂરી શક્યતા હોવાથી પોલીસે તાત્કાલિક ધોરણે એફ.આઈ.આર. નોંધી બનાવ અંગે પીઆઇ ગઢવી એ તપાસ હાથ ધરી છે.
