ભુજના બે ગામના 200 લોકો વચ્ચે ઘર્ષણ બાદ તંગદિલી

વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઇ હતી, હુમલાખોરોએ ગામમાં વીજપુરવઠો બંધ કરાવ્યો તાલુકાના નાના વરનોરા અને રાયધણપર ગામના યુવાનો વચ્ચે શુક્રવારે રોડ પર વાહન…

વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઇ હતી, હુમલાખોરોએ ગામમાં વીજપુરવઠો બંધ કરાવ્યો

તાલુકાના નાના વરનોરા અને રાયધણપર ગામના યુવાનો વચ્ચે શુક્રવારે રોડ પર વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઘર્ષણે મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું. બે ગામ વચ્ચે સર્જાયેલી બબાલના પગલે આ લખાય છે, ત્યારે રાત્રિના 12.30 વાગ્યે ખુદ પોલીસવડા રાયધણપર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો, તેવી પ્રાથમિક વિગતો બહાર આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે સાંજના અરસામાં નાના વરનોરા અને રાયધણપર ગામના લોકો વચ્ચે વાહન ચલાવવા મુદ્દે સામાન્ય બોલાચાલી થઈ હતી.

બાદમાં નાના વરનોરાના ગ્રામજનોએ એક બોલેરો ગાડી રાયધણપરના યુવાનો પર ચડાવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ઝીંકડી ગામનો એક અન્ય વાહનચાલક અડફેટે આવી ગયો હતો. પ્રાથમિક ઘર્ષણ બાદ મામલો વધુ બિચક્યો હતો.

હુમલાખોરો દ્વારા સૌપ્રથમ આખાં ગામનો વીજપુરવઠો બંધ કરાયો હતો. ત્યાર બાદ રાયધણપર ગામના રહેણાક વિસ્તારમાં ધોકા અને પથ્થરો સાથે ગાડીઓમાં આવેલા આશરે 100-150 જેટલા લોકોના ટોળાએ હુમલો કરતાં ભયનો માહોલ સર્જાયો હતો, જેના પગલે સમગ્ર ગામમાં ભારે અફરાતફરી ફેલાઈ હતી. ડરના માર્યા ગ્રામજનો પોતાના ઘર છોડીને ગામની બહાર નીકળી આવ્યા હતા.

ઘટનાની ગંભીરતાને જોતાં એસ.પી. સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ લખાય છે, ત્યારે હાલ પોલીસ દ્વારા ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ મામલો શાંત પાડવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, તો રાયધણપરમાં બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ગામમાં બગડેલી પરિસ્થિતિ વચ્ચે થોડા સમય માટે ખોરવાયેલો વીજપુરવઠો પુન: સ્થાપિત કરી દેવામાં આવ્યો છે. જો કે, અત્યારે પણ ગામમાં ભારે તંગદિલીભરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *