માણાવદર શહેરના હૃદયસમાન અને ઐતિહાસિક એવા રસાલા ડેમ નજીક પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ડેમ નજીકથી પસાર થતી મુખ્ય ભૂગર્ભ ગટરની એક મોટી કુંડી અચાનક તૂટી જતાં ગટરના ગંદા પાણીના પૂર ઉભરાયા છે. આ અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણી સીધું જ રસાલા ડેમમાં ભળી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારનું વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું છે.
આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કુંડી તૂટવા પાછળના કારણો અંગે લોકમુખે અનેક ચર્ચાઓ જાગી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, સરકારી નાણાંથી બનેલી આટલી મજબૂત કુંડી પોતાની મેળે તૂટી ગઈ છે કે પછી કોઈ અસામાજિક તત્વો દ્વારા રાતોરાત તેને નુકસાન પહોંચાડી તોડી પાડવામાં આવી છે? સ્થાનિકોએ આ મામલે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.
રસાલા ડેમની આસપાસથી અને ઉપરથી પસાર થતા લોકો માટે અહીંથી નીકળવું નરક સમાન બની ગયું છે. ગટરના ગંદા પાણીના કારણે વિસ્તારમાં એવી અસહ્ય તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે કે રાહદારીઓ અને વાહનચાલકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. લોકોએ ફરજિયાત પોતાના મોં અને નાક પર રૂૂમાલ કે કાપડ ઢાંકીને અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં અહીંથી પસાર થવું પડી રહ્યું છે.
ડેમમાં ગટરનું કેમિકલયુક્ત અને મલમૂત્રવાળું પાણી ભળવાના કારણે ભયંકર પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. સ્થાનિક નાગરિકોએ નગરપાલિકા સમક્ષ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો આ કુંડીનું તાત્કાલિક સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ગંભીર બીમારીઓ ઘર કરી જશે.
નગરપાલિકાના સર્વોચ્ચ અધિકારીને શહેરની આટલી મોટી સમસ્યાની ખબર જ ન હોય અને એન્જિનિયર માત્ર ’અંદાજો’ લગાવતા હોય, તે બાબત જ તંત્રની ઘોર ઉદાસીનતા દર્શાવે છે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું વહીવટી તંત્ર સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડાં અટકાવવા ક્યારે જાગશે?
