વસતી ગણતરીમાંથી છટકવા RMCના કામચોર કર્મચારીઓના ઉધામા

અમુકે સીક લીવ મુકી, અમુકે ઇમરજન્સી કામના ગળે ઉતરી જાય તેવા ખોટા બહાના તૈયાર કર્યા, ઓર્ડર કેન્સલ કરવા સંબંધિત અધિકારી પાસે અરજીના થવા લાગ્યા ઢગલાં…

અમુકે સીક લીવ મુકી, અમુકે ઇમરજન્સી કામના ગળે ઉતરી જાય તેવા ખોટા બહાના તૈયાર કર્યા, ઓર્ડર કેન્સલ કરવા સંબંધિત અધિકારી પાસે અરજીના થવા લાગ્યા ઢગલાં

જનગણનાના રાષ્ટ્ર વ્યાપી અભિયાનમાં સ્વ વસતી ગણતરી એટલે કે ઓનલાઇન ગણતરી માટે સરકાર જનજાગૃતિ સહિતના તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે બીજીબાજુ ખુદ સરકારના જ કેટલાક વિભાગો અને મહાનગરપાલિકાના કેટલાક કામચોર કર્મચારીઓ ફરજમાંથી છટકાવા ઉધામા કરવા લાગ્યા છે. આ અગાઉ પ્રાંત અધિકારી કચેરી, શિક્ષણ અને રેલવે તંત્રે તો લેખિતમાં નનૈયો ભણીને વસતી ગણતરીની કામગીરીમાંથી હાથ ઉંચા કરી દીધા છે. તો હવે મહાનગરપાલિકાના કામચોર કર્મચારીઓ પણ ફરજમાંથી છટકવા સીક લીવ, મેડીકલ સર્ટિફિકેટ મુકવાથી માંડી રાજકીય ભલામણનો સહારો લેવા લાગ્યા હોવાનું મ્યુનિ.કમિશનર બ્રાન્ચના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. મનપાની ચૂંટણીમાં કોર્પોરેશનના સ્ટાફને બાકાત રાખવામા આવ્યા હતા.

આચારસંહિતા લાગુ પડ્યાથી માંડી મતગણતરી અને હજુ પણ નવા પદાધિકારીઓએ તાજપોશી કરી ન હોય ત્યા સુધીના આટલા દિવસો સુધી કોર્પોરેશનના મોટાભાગના કર્મચારીઓએ ‘નક્કરો’ આનંદ જ કર્યો છે. એક તો પાંચ આંકડાનો પગાર લે છે અને ઘડિયાના કાંટે કામ કરતા હોવા છતા જ્યારે વસતી ગણતરીનુ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલુ થાય છે ત્યારે તેમાથી છટકવા માટે શક્ય તેટલા તમામ ઉધામા ચાલુ કરી દીધા હોવાનું જાણવા મળે છે.

વસતી ગણતરીના ઓર્ડર જેવા હાથમાં આવતા જ અવનવા બહાનાના કીમીયા અજમાવવા લાગ્યા છે. હાલ વેકેશનનો સમયગાળો હોય અગાઉથી જ બહારગામ જવાનુ પ્લાનીંગ કર્યુ હોય અને મનપામાં હજુ સુધી રજા મુકી ન હોય તેવા કર્મચારીઓ છેલ્લી ઘડીના હાથવગા બહાના બીમારીના કારણો આપી રહ્યા છે. અમુકે તો સીક લીવ પણ મુકી દીધી છે. તો કેટલાક કર્મચારીઓ ખાનગી તબીબોના ખોટા સર્ટિફિકેટ પણ રજૂ કરવા લાગ્યા હોવાનું મ્યુનિ.કમિશનર બ્રાન્ચના જ સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.

અમુકે તો ગાંધીનગરના રાજકીય છેડા ધણધણાવ્યા
સ્થાનિક કક્ષાએથી ચૂંટણીની ફરજનો ઓર્ડર કેન્સલ કરવાનો પ્રયાસ સફળ નહીં થાય તેવુ માનીને અમુક કર્મચારીઓએ રાજકીય વગ અજમાવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ગાંધીનગરથી ભલામણ શરૂૂ થઇ છે. કેટલાક મજબૂત વગદાર કર્મચારીઓના ઓર્ડર કેન્સલ કરવા માટે સીએમઓ(મુખ્યમંત્રી કાર્યાલય)માંથી પણ ફોન ધણધણ્યા હોવાનું નામ ન આપવાની શરતે એક જવાબદારી અધિકારીએ કહ્યુ હતુ.

જનગણના કામગીરીમાં સહકાર આપવા મનપાની જાહેર જનતા જોગ અપિલ
ભારતની જનગણના-2027ની કામગીરી અંતર્ગત રાજકોટ શહેરની જનગણનાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે, અત્રેની કચેરી દ્વારા આ કામગીરી માટે આવશ્યક સેવા હેઠળનાં કેન્દ્ર સરકારના રેલવે તેમજ પોસ્ટલ વિભાગ તેમજ રાજય સરકારશ્રીની વિવિધ કચેરી તેમજ જિલ્લા પંચાયતરાજકોટ, તાલુકા પંચાયત-રાજકોટ તેમજ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા-વોટર-વર્કસડ્રેનેજ-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની આવશ્યક સેવા હેઠળનાં કર્મચારીની નિમણુંક ગણતરીદાર તેમજ સુપરવાઈઝર સહિતના કુલ 4200 જેટલા કર્મચારીને નિયુક્ત કરવામાં આવેલ છે. આ તમામ સ્ટાફની તાલીમ પ્રક્રિયા તા.30/05/2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમજ તા.01/06/2026 થી તા.30/06/2026 સુધીમાં પ્રથમ તબક્કાની કામગીરી કરવાની રહેશે. આ તમામ વિભાગોની દૈનિક-રોજીંદી કામગીરીને અસર ન થાય તે રીતે મૂળ કામગીરી ઉપરાંતની વધારાની જનગણના-2027ની કામગીરી સુપ્રત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *