કાલે ‘કવર’ખૂલશે : રાજકોટને મળશે નવા મેયર-ડે.મેયર

રાજકોટ ઉપરાંત સુરત, વડોદરા, ભાવનગર, સુરેન્દ્રનગર, વાપી અને આણંદ મનપાના હોદ્દેદારોની પણ થશે નિયુક્તિ મેયર પદ માટે બ્રાહ્મણ, કડવા પટેલ કે પછી ક્ષત્રિય? ભારે સસ્પેન્સ…

રાજકોટ ઉપરાંત સુરત, વડોદરા, ભાવનગર, સુરેન્દ્રનગર, વાપી અને આણંદ મનપાના હોદ્દેદારોની પણ થશે નિયુક્તિ

મેયર પદ માટે બ્રાહ્મણ, કડવા પટેલ કે પછી ક્ષત્રિય? ભારે સસ્પેન્સ

રાજકોટ મહાનગરપાલિકા સહિતની સાત મહાનગરોના નવા હોદ્દેદારોની કાલે વરણી થવાની છે ત્યારે અત્યારથી જ તમામ તૈયારીઓ પક્ષ દ્વારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, સુરેન્દ્રનગર, વાપી અને આણંદ મહાનગરપાલિકાને તેમના નવા મેયર મળશે. એટલું જ નહીં રાજકોટ મહાનગરની વાત કરવામાં આવે તો અનેકવિધ સમીકરણો જોવા મળી રહ્યા છે કારણ કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે રોસ્ટર જાહેર કરવામાં આવ્યું તેમાં પ્રથમ અઢી વર્ષ સામાન્ય પુરુષ માટે અનામત રાખવામાં આવી છે.

ત્યારે મેયરપદ માટે અનેકવિધ જારેદારો મેદાને છે તેમાં બ્રાહ્મણ, પટેલ અને ક્ષત્રિય સમાજનું લોબિંગ ચાલ્યું હતું. આવતીકાલે સવારે 10:00 વાગે ભાજપની સંકલન બેઠકમાં પ્રદેશ નિરીક્ષક અનિરુદ્ધ દવે હોદેદારોના નામોની જાહેરાત કરશે તેવી હાલ અટકળો ચાલી રહી છે. ગઈકાલે જે મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી તેમાં યુવાઓને વધુ તક આપવામાં આવી છે ત્યારે આ ફોર્મુલા આવતીકાલના મહાનગરોના હોદ્દેદારોમાં પણ યથાવત રાખવામાં આવે તેવું હાલ જાણકાર વર્તુળો ચરચી રહ્યા છે.

મુખ્યમંત્રીના નિવાસ્થાને મળેલી પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં પણ રાજકોટ મહાનગરપાલિકા સહિતની અન્ય મનપામાં હોદ્દેદારોના નામો ચર્ચા કરવામાં આવ્યા હતા પરંતુ મંજૂરી મળી ન હોવાની વાત પણ મળી હતી જેની પાછળનું સૌથી મોટું કારણ એ જ છે કે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીના સમીકરણોને ધ્યાને લઇ હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવશે. જે વાતની ગંભીરતાને ધ્યાને લેતા આ વખતે નામોની જાહેરાત ખૂબ મોડી કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે જ સસ્પેન્સ ખુલશે કે મેયર અને ડેપ્યુટી મેયર પદની સાથે સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી કોને સોંપવામાં આવે છે.

પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક પૂર્વે અનેકવિધ નિર્ણયો અને નિયમોની અમલવારી કરવાની વાત થઈ હતી. પરંતુ વાસ્તવિકતા છે કે ભાજપ અને ખાસ મોવડી મંડળ હર હંમેશ સસ્પેન્સ આપવામાં જ માન્યું છે ત્યારે આ વખતે પણ જે નામોની ચર્ચા થઈ રહી છે તેનાથી કોઈ વિપરીત નામ જ સામે આવે તો તેને નકારી શકાય તેમ નથી. પ્રદેશ ભાજપ માટે મહત્વનો મુદ્દો એ જ છે જે આગામી વિધાનસભા ચૂંટણીને જે દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે તે ગાળામાં હાલ તમામ જ્ઞાતિઓને યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવે જેથી ચૂંટણી સમયે કોઈ અન્ય પ્રશ્નો ઉભા ન થાય. હાલ જે વિગતો મળી રહી છે તે મુજબ જનરલ બોર્ડ પૂર્ણ થયાને અડધી કલાકમાં જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે અને તેમાં જ સમિતિઓના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવશે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા માટે હાલ જે પ્રશ્નો ઉભો થઈ રહ્યો છે તે એ છે કે કાલે મેયરપદ કોને સોંપવામાં આવે.

રાજકોટ ભાજપના દિગ્ગજ નેતાઓની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતથી ‘ખેલ’ પડી ગયો ?!
રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક પહેલા જ રાજકોટ ભાજપના દિગ્ગજ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના પદોની જાહેરાત અગાઉ થયેલી આ મુલાકાતને લઈને રાજકીય ગલીયારામાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં રાજકોટ પ્રભારી અને સૌરાષ્ટ્ર ઝોન ભાજપ પ્રભારી તથા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે તેમજ રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ સાથે અન્ય ધારાસભ્યો પણ આ પ્રતિનિધિમંડળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળતા હતા. ાગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારોના નામ જાહેર થવાના છે. આ પદોની પસંદગીમાં ભાજપનું હાઈકમાન્ડ શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે. ખાસ કરીને, દર્શિતાબેન શાહની ટિકિટ ફાળવણીમાં મહત્વની ભૂમિકા રહી હોવાથી, આ મુલાકાતને માત્ર એક ’શિષ્ટાચાર મુલાકાત’ તરીકે જોવી કે પછી આગામી હોદ્દેદારોની પસંદગી અંગેની ’નિર્ણાયક બેઠક’, તે અંગે અટકળો તેજ બની છે. હવે જોવાનું એ રહે છે કે, વડાપ્રધાન સાથેની આ મુલાકાત બાદ રાજકોટના રાજકારણમાં શું નવો વળાંક આવે છે અને કયા ચહેરાઓ આગામી સમયમાં મનપાની જવાબદારી સંભાળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *