જામનગરના દરેડમાં કારખાનેદારને તેના પૂર્વ કર્મચારીએ ચોપડ્યો 4.19 કરોડનો ચુનો

જામનગર શહેરમાં બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા બે વેપારીઓ સાથે કરોડો રૂપિયાની નાણાકીય છેતરપીંડી થયાની ફરિયાદ સામે આવી છે. સમગ્ર મામલે પંચકોશી બી.ડિવિઝન ખાતે કુલ 4.19…

જામનગર શહેરમાં બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા બે વેપારીઓ સાથે કરોડો રૂપિયાની નાણાકીય છેતરપીંડી થયાની ફરિયાદ સામે આવી છે. સમગ્ર મામલે પંચકોશી બી.ડિવિઝન ખાતે કુલ 4.19 કરોડ ની છેતરપીંડી કરવા અંગે ગુનો નોંધાતાં વેપારી વર્તુળોમાં ચકચાર જાગી છે.

ફરિયાદ મુજબ, જામનગરના સુમેર ક્લબ રોડ વિસ્તારમાં રહેતા અને દરેડ જીઆઈડીસીમાં હાઇટેક એકસ્ટ્રુઝન એલએલપી નામથી બ્રાસના સળીયાના ઉત્પાદન તથા ટ્રેડિંગનો વ્યવસાય કરતા વેપારી વસંતભાઈ વૈકુંઠભાઈ કટારીયાની પેઢીમાં થોડા વર્ષો પહેલાં આનંદભાઈ લીલાભાઈ મોઢવાડિયા નામનો વ્યક્તિ કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો. બાદમાં તેણે પોતાની અલગ પેઢી શરૂ કરી બ્રાસના માલના વેપાર માટે પૂર્વ માલિક સાથે વ્યવહાર શરૂ કર્યો હતો.

પ્રાથમિક તબક્કે વેપારીક સંબંધો સામાન્ય રીતે ચાલ્યા બાદ આરોપીએ ઉધાર વ્યવહારમાં મોટા પાયે બ્રાસના રોડ અને અન્ય માલની ખરીદી કરી હોવાનું જણાવાયું છે. ફરિયાદી ના જણાવ્યા અનુસાર શરૂઆતમાં કેટલાક વ્યવહારોના પેમેન્ટ નિયમિત આપવામાં આવ્યા હતા, જેના કારણે આરોપી પર વિશ્વાસ બેસ્યો હતો. ત્યારબાદ આરોપીએ અલગ અલગ બિલો હેઠળ કરોડો રૂપિયાનો માલ ખરીદેલો હોવા છતાં બાકી રકમ ચૂકવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપી પાસેથી કુલ રૂ. 3.57 કરોડથી વધુ રકમ લેવાની બાકી નીકળે છે. ઉઘરાણી માટે વેપાર સ્થળ અને રહેણાંક સ્થળે તપાસ કરતાં બંને સ્થળો બંધ મળી આવ્યા હતા. મોબાઇલ નંબર પણ બંધ આવતા વેપારીઓએ સંપર્ક ગુમાવ્યો હતો.

આ દરમિયાન આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક પૈકીનો એક ચેક બેંકમાં રજૂ કરતા અપુરતા બેલેન્સના કારણે બાઉન્સ થયો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે. આ મામલે અન્ય બે વેપારીઓ સાથે પણ સમાન પ્રકારની છેતરપીંડી થયાની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીએ વેપારીક વિશ્વાસ કેળવી વિવિધ પેઢીમાંથી માલ ખરીદી 4.19 કરોડ રૂપિયાની નાણાકીય ઉચાપત કરી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીછે. જેમાં ફરિયાદી વેપારીને 3,57,27,467 ના લેણા નીકળે છે આ ઉપરાંત જતીન ભગતરામ શાહ અને પ્રકાશ જગતરામ શાહ ની પેઢી માંથી પણ 61,85,644 નો મુદ્દામાલ ખરીદ કર્યો હતો અને બંને ના મળી કુલ 4 કરોડ 19 લાખ થી વધુની રકમના વ્યાપારિક નાણાકીય ઉચાપત કરી આરોપી આનંદ મોઢવાડીયા રફુચક્કર થઈ ગયો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેને પોલીસ શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *