શહેરના જુના જાગનાથ પ્લોટમાં એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલા ફલેટમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તાત્કાલીક દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વૃધ્ધ દંપતિ દીકરીના ઘરે ગયા હોવાથી મકાન બંધ હતું જેથી કોઈ જાનહાની થવા પામી ન હતી. આગમાં ગાદલુ સળગી ગયાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, જુના જાગનાથ પ્લોટ શેરી નં.2માં આવેલા કલ્યાણકુંજ એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે બંધ ફલેટમાં આગ ભભુકી ઉઠતાં એપાર્ટમેન્ટનાં લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. આગ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં કાલાવડ રોડ અને મુખ્ય ફાયર સ્ટેશનેથી બે ફાયર ફાઈટર સાથે સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ ફલેટમાં રહેલા ગાદલામાં લાગી હોય જેમાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ઘટના સ્થળે મકાન માલિક દર્શિતભાઈ ફીચરીયા હાજર હોય જેમના જણાવ્યા મુજબ, આ ફલેટમાં તેમના દાદા દાદી રહેતાં હોવાનું અને થોડા દિવસોથી દાદા દાદી મકાન બંધ કરી દીકરીના ઘરે આંટો મારવા ગયા હતાં જેથી હાલમાં મકાન બંધ હતું. આગ કઈ રીતે લાગી તે અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જો કે સદનશીબે આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
