રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો: બેટીરામપરા પાસે આખલા સાથે કાર અથડાતાં વેપારીનું મોત

રાજકોટ-અમદાવાદ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન નિર્દોષ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શનિવારે રાત્રે વધુ એક આવી જ ઘટના સામે આવી છે…

રાજકોટ-અમદાવાદ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન નિર્દોષ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શનિવારે રાત્રે વધુ એક આવી જ ઘટના સામે આવી છે હાઈવે પર અચાનક આખલો આડો ઉતરતાં કાર સાથે જોરદાર અકસ્માત સર્જાયો હતો જેમાં 62 વર્ષીય હાર્ડવેરના વેપારીનું મોત નીપજ્યું છે.

આ અંગેની વિગતો મુજબ,મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલા દેવાંગભાઈ જસવંતરાય દવે (ઉં.વ. 62) છેલ્લા એક મહિનાથી રાજકોટના ફૂલછાબ ચોક નજીક રહેતા તેમના સાસુના ઘરે પત્ની સાથે રોકાયા હતા. તેમના સાસુને પગનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ તેમની સંભાળ રાખવા માટે અહીં આવ્યા હતા. શનિવારે રાત્રે આશરે 10:30 વાગ્યાની આસપાસ દેવાંગભાઈ પોતાની ટાટા ટીયાગો કાર લઈને વ્યાપારી ટૂર અંતર્ગત અમદાવાદ સહિતના શહેરોના વેપારીઓને મળવા માટે રાજકોટથી નીકળ્યા હતા.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટીરામપરા ગામ નજીક પહોંચતા અચાનક એક ખૂટિયો રોડ પર આડો ઉતર્યો હતો. અંધારામાં કારની સ્પીડ હોવાના કારણે દેવાંગભાઈ બ્રેક મારે તે પહેલા જ કાર ધડાકાભેર ખૂટિયા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને દેવાંગભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં દેવાંગભાઈને તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે અહીં તબીબે મૃત જાહેર કર્યા હતા.

મૃતકને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પિતાના અચાનક નિધનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. એરપોર્ટ પોલીસ મથકના એ.એસ.આઈ. પરેશ સાંગાણી સહિતનો પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ-અમદાવાદ હાઈવે પર રખડતાં ઢોરનો ત્રાસ અતિશય વધી ગયો છે. આ અગાઉ પણ અનેક જાગૃત નાગરિકો અને વાહનચાલકો દ્વારા તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. છતાં હજુ સુધી આ જીવલેણ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તંત્રની આ ઘોર બેદરકારીનો ભોગ આખરે વધુ એક નિર્દોષ નાગરિકે આપવો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *