પોલીસની પરીક્ષામાં નાપાસ થતાં AIના ઉપયોગથી નકલી Dysp બનેલો શખ્સ ઝડપાયો

  સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાંથી સાયબર ક્રાઈમના નામે નકલી ડીવાયએસપી બનીને લોકો પાસેથી પૈસા પડાવતા એક શાતિર શખ્સને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે.પકડાયેલા આરોપીની…

 

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાંથી સાયબર ક્રાઈમના નામે નકલી ડીવાયએસપી બનીને લોકો પાસેથી પૈસા પડાવતા એક શાતિર શખ્સને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે.પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને પોલીસના ગણવેશમાં પોતાના નકલી ફોટા તૈયાર કરતો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને લોકો પર રોફ જમાવતો હતો. તેણે ડીવાયએસપી તરીકેની ઓળખ આપી એક મહિલા સાથે રૂૂા.22 હજારની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. બીજા કોઈની સાથે ઠગાઈ કરી છે કે કેમ તે અંગે હવે સાયલા પોલીસ તપાસ કરી રહી છે.

માહિતી મુજબ, રાજકોટ રેન્જ આઈજીની ટીમને બાતમી મળી હતી કે સાયલા-સુદામડા ચોકડી પાસે એક શખ્સ નકલી ડીવાયએસપી બનીને તોડબાજી કરી રહ્યો છે. આ માહિતીના આધારે પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રા સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી શંકાસ્પદ શખ્સને અટકાવી તેની પૂછપરછ હાથ ધરી હતી. આરોપી ધોરણ 12 પાસ અને અગાઉ ટ્રેક્ટરના શો-રૂૂમમાં નોકરી કરતો હતો પોલીસની કડક પૂછપરછમાં આ શંકાસ્પદ શખ્સ સાયલાના નવાગઢ વિસ્તારમાં, લાલજી મહારાજની જગ્યા પાસે રહેતો સોહિલખાન બિસ્મિલ્લાખાન પઠાણ હોવાનું બહાર આવ્યું હતું. આરોપી સોહિલખાન માત્ર ધોરણ 12 પાસ છે અને તે અગાઉ એક ટ્રેક્ટરના શો-રૂૂમમાં નોકરી કરતો હતો. પરંતુ ટૂંકી કમાણીથી સંતોષ ન થતાં તેણે ગુનાખોરીનો શોર્ટકટ અપનાવ્યો હતો. તે છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ એઆઈ ટૂલ્સ અને એપ્લિકેશનની મદદથી પોલીસ ડ્રેસમાં પોતાના પ્રોફેશનલ દેખાતા ફોટા અને નકલી આઈ કાર્ડ બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરતો હતો, જેથી લોકો તેને સાચો પોલીસ અધિકારી સમજી બેસે.

સાયબર ક્રાઈમના નામે નકલી મેસેજ બનાવી 22 હજાર પડાવ્યા આરોપીની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે તે સાયબર ક્રાઈમના ગુનાઓમાં શંકાસ્પદ વ્યક્તિઓનો સંપર્ક કરતો હતો. તેણે એક વ્યક્તિને ડરાવવા માટે ’તમારું બેંક ખાતું સીઝ થઈ ગયું છે’ તેવો નકલી સરકારી મેસેજ જાતે જનરેટ કર્યો હતો. આ નકલી મેસેજ બતાવી, કેસ રફેદફે કરવાના બહાને તેણે ભોગ બનનાર પાસેથી રૂૂપિયા 22,000 પડાવી લીધા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીની તલાશી લેતા તેના મોબાઈલ ફોનમાંથી પોલીસના ગણવેશ વાળા અનેક એડિટ કરેલા ફોટા અને નકલી આઈડેન્ટિટી કાર્ડ મળી આવ્યા હતા.

મોબાઈલ, રોકડ અને નકલી આઈ કાર્ડ કબજે રાજકોટ રેન્જ પોલીસે આરોપી સોહિલખાન પઠાણની અટકાયત કરી તેની પાસેથી ગુનામાં વપરાયેલો મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ નકલી આઈ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી અને ઊંડાણપૂર્વકની તપાસ માટે આરોપીને સાયલા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી ડી.વાય.એસ.પી એ અત્યાર સુધીમાં અન્ય કેટલા લોકોને આ પ્રકારે સાયબર ક્રાઈમના નામે ડરાવીને નાણાં પડાવ્યા છે. આ સફળ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારમાં પોલીસનો રોફ બતાવી તોડબાજી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સુચનાથી પી.આઈ અપૂર્વ પટેલ, પી.એસ.આઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા એ.એસ.આઇ. યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ તથા ફતેસંગ પરમાર તેમજ ટેકનિકલ સેલના પીએસઆઈ પી.સી.સરતેજા, તથા સ્ટાફના નરેન્દ્રસિંહ રાઠોડ , બળદેવસિંહ સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *