જામનગરમાં કાપડના વેપારીના આશરે 25 કરોડના ફૂલેકા મામલે પોલીસ હરકતમાં

સિટી એ. ડિવિઝન પોલીસ મથકે 20થી વધુ વેપારીઓના નિવેદનો શરૂ, ફરાર વેપારીના પિતા અને ભાઈને પણ બોલાવાયા જામનગર શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં સર્જાયેલા પચીસ કરોડ રૂપિયાથી…

સિટી એ. ડિવિઝન પોલીસ મથકે 20થી વધુ વેપારીઓના નિવેદનો શરૂ, ફરાર વેપારીના પિતા અને ભાઈને પણ બોલાવાયા

જામનગર શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં સર્જાયેલા પચીસ કરોડ રૂપિયાથી વધુના કથિત કાપડ ના વેપારી ના ફૂલેકા પ્રકરણમાં હવે પોલીસ સક્રિય બની છે. વેપારીઓ દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરાયા બાદ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને સુપરમાર્કેટમાં દીપાલી એન્ટરપ્રાઇઝ નામથી કાપડના વેપાર સાથે સંકળાયેલા હિતેશ લક્ષ્મીકાંતભાઈ ગોહિલ દ્વારા વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ અને નાણાં ઉધાર મેળવી પત્ની અને બાળક સાથે ફરાર થઈ જવાના આક્ષેપો થયા છે. આ મામલે સુપરમાર્કેટ સહિતના વેપારીઓએ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

જિલ્લા પોલીસ વડાની સૂચનાના અનુસંધાને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલસિંહ ડોડીયા અને તેમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે વેપારીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ગઈકાલે શનિવારે બાર જેટલા વેપારીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે રવિવારે પણ આઠથી વધુ વેપારીઓ પોલીસ મથકે પહોંચી પોતાના નિવેદનો નોંધાવ્યા હોવાનું જાણવા મળે છે.

પોલીસ તપાસ દરમિયાન ફરાર વેપારી હિતેશ ગોહિલના પિતા લક્ષ્મીદાસભાઈ તેમજ ભાઈ હેમલને પણ પોલીસ મથકે બોલાવી તેમના નિવેદનો લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પરિવારજનોને ફરાર વેપારીનો તાત્કાલિક સંપર્ક સાધી તેને પરત બોલાવવા તેમજ પોલીસ સમક્ષ હાજર કરવા કડક સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

વેપારી વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ જામનગર ઉપરાંત રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરત, મુંબઈ અને પુણે સુધી વેપારી વ્યવહારો ફેલાયેલા હોવાના કારણે ફૂલેકાની રકમ પચીસ કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા વેપારીઓની રજૂઆતો અને નિવેદનોના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર પ્રકરણને લઈને જામનગરના વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *