વેરાવળમાં શ્રમિક પરિવારની સાડા 3 વર્ષની બાળકીને શ્ર્વાને પીંખી નાખી

ગીર સોમનાથના વેરાવળ ખાતે મજુરી અર્થે આવેલા પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકીની શ્ર્વાને બચકા ભરી લીધા હતાં. લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી…

ગીર સોમનાથના વેરાવળ ખાતે મજુરી અર્થે આવેલા પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકીની શ્ર્વાને બચકા ભરી લીધા હતાં. લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગીર સોમનાથના વેરાવળમાં આવેલા નવાપરામાં રહેતા શ્રમિક પરિવારની અશ્ર્વિનીબેન દશરથ પવાર નામની સાડા ત્રણ વર્ષની બાળકી પોતાના પરિવાર સાથે ગત તા.18નાં રોજ વેરાવળ વાડી વિસ્તારમાં હતી ત્યારે શ્ર્વાને બચકા ભરી લીધા હતાં. બાળકીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે વેરાવળ ખસેડવામાં આવી હતી.

જ્યાં તેની તબિયત નાજૂક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યા બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વેરાવળ પોલીસને જાણ કરતાં વેરાવળ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. વેરાવળ પોલીસે જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકીનો પરિવાર મુળ મહારાષ્ટ્રનો વતની હતી અને વેરાવળમાં રહી ખેતી કામ કરતો હતો. મૃતક બાળકી બે બહેનોમાં નાની હતી. પરિવાર ખેતી કામ કરતો હતો ત્યારે રમી રહેલી બાળકીને શ્ર્વાને બચકા ભરતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વેરાવળ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *