ચોટીલા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં બ્રોકરનું મોત; સાત લોકોને ઈજા

અમદાવાદના લીલાપુર ગામે રહેતાં અને જમીન મકાન લે-વેચનું કામ કરતાં બ્રોકર પરિવાર સાથે સૌરાષ્ટ્ર યાત્રા કરી અમદાવાદ પરત ફરી રહ્યા હતાં ત્યારે ચોટીલા નજીક બંધ…

અમદાવાદના લીલાપુર ગામે રહેતાં અને જમીન મકાન લે-વેચનું કામ કરતાં બ્રોકર પરિવાર સાથે સૌરાષ્ટ્ર યાત્રા કરી અમદાવાદ પરત ફરી રહ્યા હતાં ત્યારે ચોટીલા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બ્રોકરનું મોત નિપજ્યું હતું. જ્યારે સાત લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, અમદાવાદના લીલાપુર ગામે રહેતાં દિપકકુમાર વિરજીભાઈ ઠાકોર નામનો 38 વર્ષનો યુવાન પોતાની કાર લઈ અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે ચોટીલા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક દીપકકુમાર ઠાકોરને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. દિપકકુમાર ઠાકોર જમીન-લે વેચનું કામ કરતાં હતાં અને પરિવારના સાત સભ્યો સાથે કાર લઈ સૌરાષ્ટ્રની યાત્રાએ નિકળ્યા હતાં. દ્વારકા સોમનાથ અને ગીર સોમનાથ થઈ અમદાવાદ પરત ફરી રહ્યા હતાં ત્યારે ચોટીલા નજીક મધરાત્રે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતાં સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં દિપકકુમાર ઠાકોરનું મોત નિપજ્યું હોવાનું અને કાર સ્વાર ત્રણ બાળકો સહિત સાત લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *