મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુના બનાવોમાં ચારના મોત નીપજ્યા હતા. જેમાં મોરબી અને વાંકાનેરમાં બે વ્યક્તિઓ અચાનક બેભાન થઈ ગયા બાદ મોતને ભેટી હતી, જ્યારે ટંકારામાં એક યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઉપરાંત હળવદમાં કૌટુંબિક બોલાચાલીથી મનદુ:ખ થતાં ઝેરી દવા પી લેનાર મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ તમામ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતના ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં, મોરબીના વીશીપરા વિસ્તારમાં મહાકાળી ઓઇલ મીલની પાછળ રહેતા 78 વર્ષીય વૃદ્ધા લીલાબેન લાભુભાઇ મોરવાડીયા પોતાના ઘરે કોઈ કારણોસર બેભાન થઈ ગયા હતા. તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.
બીજા બનાવમાં, વાંકાનેરના સિંધાવદર ગામની સીમમાં આવેલી યુસુફભાઇ અલીભાઇ પરાસરાની વાડીએ મજુરી કામ કરતા અને મૂળ રાજસ્થાનના વતની 45 વર્ષીય વિરદાસિંહ નગાસિંહ રાવત વાડીએ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સરકારી દવાખાને લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ત્રીજા બનાવમાં, ટંકારાના ઓટાળા ગામે આવેલ અતુલ પોપટભાઇ વિરસોડીયાના ગોદામે મજુરી અર્થે રહેતો 20 વર્ષીય યુવાન ગોવિંદ શિવનારાયણ પ્રજાપતી પોતાના રૂૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ યુવાને કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે દિશામાં તપાસ શરૂૂ કરી છે.
ચોથા બનાવમાં, હળવદના સાપકડા ગામની સીમમાં હિતેન્દ્રસિંહ ગોહિલની વાડીએ ખેતમજૂરી કરતા 40 વર્ષીય હંસાબેન દીલીપભાઇ કામલપરાના પતિ કોઈ કામધંધો કરતા ન હતા. જેથી તેમના દીકરા આનંદે પિતાને કામધંધો કરવા બાબતે કહેતા દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વાતનું હંસાબેનને માઠું લાગી આવતા તેમણે વાડીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. તેમને ગંભીર હાલતમાં ધ્રાંગધ્રાની જિંદગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
