યુવતીના ભાઇ સહિત બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ
ઉપલેટા શહેરમાં પ્રેમસંબંધનો ખાર રાખી એક યુવક પર છરી વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગત મુજબ, ખાટકીવાળા ધરાર કોલોની, ઉપલેટામાં રહેતા અને મજૂરી કામ કરતા 30 વર્ષીય યુવક રેનિશ ઉર્ફે રેનિયો હુશેનભાઇ પઠાણે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોસીન દિલાવર હિંગોરા અને તેની સાથે મોટરસાઇકલ પર આવેલા એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ મોસીન ગઇકાલ તા. 19/05/2026 ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યાના પંકજ વેરાયટી સામેની ગલીમાં, આરીફભાઇ ધોરાજીવાળાની દુકાન પાસે હતો ત્યારે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. મોસીન પોતાનું મોટરસાઇકલ લઇને બજારમાં બેસવા જઇ રહ્યા હતા.
તે દરમિયાન ઉપલેટાના જ રહેવાસી આરોપી મોસીન દિલાવર હિંગોરા અને તેની સાથે મોટરસાઇકલ પર આવેલા એક અજાણ્યા ઇસમે રેનિશના બાઇક આગળ પોતાનું વાહન આડું નાખી તેને રોકી લીધો હતો. આરોપી મોસીનની બહેન સાથે ભોગ બનનાર રેનિશને પ્રેમસંબંધ હોય, જેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી મોસીન દિલાવર હિંગોરાએ ઉશ્કેરાઇ જઇને રેનિશ પર છરી વડે હુમલો કર્યો હતો.
તેણે રેનિશના જમણા હાથની કલાઇના ઉપરના ભાગે તથા ડાબા હાથની કોણીના ભાગે છરીના છરકા મારી દીધા હતા. આટલેથી ન અટકતા, આરોપીએ છરીના ઊંધા ઘા માથાના ભાગે ઝીંકી દઇને મુંઢ ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુનામાં બીજા અજાણ્યા આરોપીએ તેને મદદગારી કરી હતી.
આ ઘટના અંગે ઉપલેટા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ-115(2), 118(1), 126(2), 351(3), 54 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ કરી અને આરોપીઓની અટકાયત કરવાની ચક્રો ગતિમાન કર્યા છે.
