ગિરનાર જંગલમાં વસવાટ કરતા સિંહ અવારનવાર દાતાર પર્વતની સીડીઓ પર જોવા મળતા હોય છે. પરંતુ, પ્રથમવાર 3200 ફૂટની ઊંચાઈએ આવેલા ઉપલા દાતાર પર સિંહ પરિવાર પહોચ્યાનો વીડિયો વાઈરલ થતા કુતૂહલ ફેલાયું છે. ઉપલા દાતારની જગ્યા પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે વનવિભાગની ટીમ સિંહની મુવમેન્ટ પર ચાંપતી નજર રાખી રહી છે.
દાતાર પર્વત પર ઉપલા દાતારની જગ્યાએ પહોંચવા માટે 2800 જેટલા પગથિયા આવેલા છે. સામાન્ય રીતે સીડી પર સિંહની અવરજવર જોવા મળતી હોય છે. પરંતુ, પ્રથમવાર 3200 ફૂટની ઊંચાઈ પર આવેલી ઉપલા દાતારની જગ્યા પર બે સિંહ અને એક સિંહણે ધામા નાખ્યા હોવાના ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. આટલી ઊંચાઈ પર પ્રથમવાર સિંહ પરિવાર પહોંચતા સિંહપ્રેમીઓમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.
વનરાજોનો આ પરિવાર દાતાર પર્વત પર આવેલી ગૌશાળાની સાવ નજીક પહોંચી ગયો હતો અને ત્યાં આરામથી આંટાફેરા મારી રહ્યો હતો. વન્યજીવો માટે હવે દાતાર પર્વત પણ એક સુરક્ષિત આશ્રય સ્થાન બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પર્વતની આટલી ઊંચાઈ પર વનરાજોની આ ગતિવિધિને પગલે સ્થાનિક વન વિભાગ પણ તાત્કાલિક એક્શનમાં આવી ગયું છે.
વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા આ સિંહ પરિવાર પર સતત અને ઝીણવટભર્યું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગની ટીમ આ સિંહોની સુરક્ષા અને ગતિવિધિ પર રાત-દિવસ ચાંપતી નજર રાખી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. આ અદભુત નજારો હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
