શેરીમાં ક્રિકેટ રમવા મામલે બાળક પર હુમલો, પરિવાર પર ‘બોટલ’ના ઘા કર્યા

થોરાળાનો બનાવ: દેવરાજ ગમે ત્યાં ભેગો થશે તો તેને જાનથી મારી નાખીશ, ધમકી આપી: કાકી-ભત્રીજાને ગંભીર ઇજા ભાવનગર રોડ પર આવેલી નવજીવન પાર્ક સોસાયટી પાસે…

થોરાળાનો બનાવ: દેવરાજ ગમે ત્યાં ભેગો થશે તો તેને જાનથી મારી નાખીશ, ધમકી આપી: કાકી-ભત્રીજાને ગંભીર ઇજા

ભાવનગર રોડ પર આવેલી નવજીવન પાર્ક સોસાયટી પાસે માત્ર ક્રિકેટનો દડો આરોપીના ઘર પાસે જવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા એક જ પરિવારના સભ્યો સહિતના શખ્સોએ હથિયારો અને દારૂની બોટલો વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો. આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર કિશોરના કાકા મેરૂભાઈ રતાભાઈ ઘાંઘળે થોરાળા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, થોરાળા વિસ્તારમાં મયુર નગરમાં રહેતા અને ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા મેરૂભાઈ ઘાંઘળનો 17 વર્ષીય ભત્રીજો દેવરાજ રવિવારે સાંજે આશરે છ વાગ્યાની આસપાસ શેરીના અન્ય બાળકો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. આ રમત દરમિયાન અચાનક ક્રિકેટનો દડો પાડોશમાં રહેતા અજય સરવૈયાના ઘર પાસે ચાલ્યો ગયો હતો. દેવરાજ જ્યારે ત્યાં દડો લેવા માટે ગયો, ત્યારે ત્યાં હાજર આરોપી આદિ અને અજય સરવૈયાના પુત્રએ કોઈ પણ કારણ વગર તેને ગાળો ભાંડી ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન અજય સરવૈયા પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે પણ માસૂમ દેવરાજ પર હાથ ઉપાડ્યો હતો. પોતાના ભત્રીજાને માર મારતા જોઈ કાકા મેરૂભાઈ અને તેમનો નાનો ભાઈ અનિલ તાત્કાલિક વચ્ચે બચાવ કરવા દોડી ગયા હતા, પરંતુ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ તેમનું કંઈ સાંભળ્યું ન હતું.

આ ઝઘડો ઉગ્ર બનતા જ સંજયભાઈ મોહનભાઈ સરવૈયા નામનો શખ્સ પોતાના એક્સેસ મોટરસાયકલ પર ત્યાં ધસી આવ્યો હતો. તેના બાઇક પર રાખેલી મોટી બેગમાં અને કમરના ભાગે છુપાવેલી વિદેશી દારૂની કાચની બોટલો કાઢીને તેણે ભોગ બનનાર પરિવાર પર ધડાધડ ફેંકવાનું શરૂ કર્યું હતું. આ આંધળાધૂંધ બોટલમારામાં મેરૂભાઈના પત્ની ભારતીબેન બચાવવા વચ્ચે આવતા એક બોટલ તેમના પગ પર વાગી હતી, જ્યારે બીજી બોટલ દેવરાજના વાસાના ભાગે વાગતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આટલેથી ન અટકતા, સંજય સરવૈયાએ જાહેરમાં ધમકી આપી હતી કે ’દેવરાજ ગમે ત્યાં ભેગો થશે તો તેને જાનથી મારી નાખીશ’. તે જ સમયે અજય ઉર્ફે લોંદો હાથમાં ધારદાર ધારીયું લઈને ધસી આવ્યો હતો અને ગાળો ભાંડી ભયનો માહોલ પેદા કર્યો હતો, જ્યારે પરિવારની મહિલાઓ પૂજાબેન અને સંજયના પત્નીએ ફરિયાદી પક્ષ પર પથ્થરમારો કર્યો હતો.

આ ભયાનક આતંક અને દેકારો સાંભળીને આજુબાજુના સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા, જેથી મામલો વણસતો જોઈ તમામ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
ઈજાગ્રસ્ત ભારતીબેન અને સગીર દેવરાજને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે થોરાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.એચ. વાળાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *