હારનું ઠીકરું ફોડવા તૈયારી, કોંગ્રેસ સંગઠનમાં ધડમૂળથી તોળાતા ફેરફાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમા પરાજય માટે જવાબદાર કોણ? કાર્યકરોમાં સતત ઉઠી રહેલા સવાલોનો કોઇ જવાબ નથી અમિત ચાવડા સિવાયના તમામ ચહેરા બદલાશે, યુવા અને નવા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમા પરાજય માટે જવાબદાર કોણ? કાર્યકરોમાં સતત ઉઠી રહેલા સવાલોનો કોઇ જવાબ નથી

અમિત ચાવડા સિવાયના તમામ ચહેરા બદલાશે, યુવા અને નવા ચહેરાઓને સંગઠનમાં સ્થાન આપવા નિર્ણય, પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાઓને હાંકી કાઢવા ગોઠવાતો તખતો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં કોંગ્રેસની થયેલી કારમી હારનું ઠીકરૂં હવે સંગઠન ઉપર ફોડવા તૈયારી થઇ રહી છે અને આ પરિણામોના પગલે રાજયના સંગઠનમાં ધડમુળથી સાફસુફી કરવાનો તખતો ઘડાઇ ગયો હોવાનું આંતરીક વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

હારનું ઠીકરું કોની પર ફોડવું તેની ગતિવિધિ કોંગ્રેસમાં તેજ બની છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીનું પ્રતિનિધિ મંડળ દિલ્હી દરબારમાં જઈ આવ્યું. હારના કારણોની સમીક્ષા કરવામાં આવી હોવાની ચર્ચા છે. કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ આ પ્રશ્ન દર હાર પછી પૂછાતો રહે છે.
કેન્દ્રીય નેતૃત્વ સમીક્ષા કરે છે અને ભવિષ્યમાં આમ ન થાય તેના માટે પગલા ભરશે તેવી ખાતરી આપે છે. જોકે કોંગ્રેસનો કાર્યકર હાર માટે કોંગ્રેસના જ નેતાઓને જવાબદાર ગણે છે. જ્યારે નેતાઓ કોંગ્રેસના આંતરિક જૂથવાદને જવાબદાર ગણીને સંતોષ માને છે. અત્યારે કોંગ્રેસમાં હારનું ઠીકરૂૂ કોની પર ફોડવું તેની શોધખોળ ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે મોટા અપડેટ આવ્યા છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં થયેલી કારમી હાર બાદ કોંગ્રેસમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહીતી અનુસાર, કોંગ્રેસના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને બાદ કરતાં ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દાઓ પર નવી નિમણૂંક થશે. સંગઠનમાં યુવા વર્ગ અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. ચૂંટણી દરમ્યાન જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી, તેવા લોકોને હાંકી કાઢવામાં આવશે. સાથે જ સંગઠન વિશે ખોટી છાપ ઊભી કરનારા નેતાઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. ઉપરાંત ચૂંટણીમાં નબળી કામગીરી કરનારા નેતાઓને દૂર કરાશે.

એવું પણ ચર્ચાય છે કે, સંગઠન સર્જન અભિયાન દરમિયાન જ આ ફેરફારો કરાવાના હતા. શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ અમિત ચાવડાને પ્રમુખ બનાવાયા હતા. ત્યારે જ નવા સંગઠનની જાહેરાત થવાની હતી. પરંતું વચ્ચે જ ચૂંટણી આવી ગઈ એટલે આ કામગીરી અટવાઈ હતી. તેથી હવે ચૂંટણી પૂર્ણ થવાથી કોંગ્રેસમાં જલ્દી જ નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે.ગુજરાત કોંગ્રેસમાં મોટો ભડકો એ થયો છે કે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ વરિષ્ઠ નેતા ઉમાકાંત માંકડ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા. અમદાવાદના ઉમાકાંત માંકડ ઉપરાંત સુરતના વરિષ્ઠ નેતા મકસૂદ બેગ મિર્ઝાને પણ પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડાયો છે.

બંને નેતાઓને પક્ષના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરવા બદલ કોંગ્રેસ શિસ્ત સમિતિએ આકરું પગલું લીધું છે.અમદાવાદ મહાનગરપાલિકા કોંગ્રેસના કારમો પરાજય બાદ કોંગ્રેસમાં વિખવાદ જોવા મળ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ 6 વોર્ડ પ્રમુખને પદ મુક્ત કર્યા હતા. તમામને ચૂંટણીમા નિરાશાજનક કામગીરીનુ કારણ આપી પદ મુક્ત કરવામા આવ્યા હતા. વોર્ડ પ્રમુખને સસ્પેન્ડ કરતાં કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો હતો. સોનલબેન પોતે જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેવી માંગ કરી છે.

ફૂટેલાઓને કોની ભલામણથી ટિકિટો અપાઇ?: જવાબ મગાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેઠકો બિનહરીફ થઈ હતી, અને અનેક બેઠકો પર ભાજપ જીતી ગયું. ત્યારે કોંગ્રેસ દ્વારા આ અંગે જવાબ મંગાયો. ફોર્મ પરત ખેંચનારને કોંગ્રેસે કોની ભલામણથી ટિકિટ આપી હતી એનો જવાબ માંગ્યો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે તમામ જિલ્લા પ્રમુખો પાસે વિગતો સાથે રિપોર્ટ માંગ્યો છે. જિલ્લા પ્રમુખોએ ફોર્મ પરત ખેંચનારને કોની ભલામણથી ટિકિટ આપી એ જણાવવું પડશે. જોકે, કેટલાક જિલ્લા પ્રમુખોએ પ્રદેશ અધ્યક્ષને અરીસો બતાવ્યો. આણંદમાં 15 બેઠકો બિનહરીફ થવા બાબતે પણ જવાબદારી નક્કી થાય.

સુરતમાં ઉઘાડો જૂથવાદ, બે જૂથના સમાંતર કાર્યક્રમો
સુરત શહેર જીલ્લા કોગ્રેસનો જૂથવાદ જોવા મળ્યા છે. એક જ દિવસે એક જ સમયે કોંગ્રેસના બે અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા. ભટાર ખાતે કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજય સિંહ ગોહિલની આગેવાનીમાં સંમેલન યોજાયું હતું. તો કતારગામ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાતના કોંગ્રેસ પ્રભારી શ્રીનિવાસ ઉપસ્થિત રહ્યા હતા. એકજ દિવસે એક જ સમયે બે કાર્યક્રમ બતાવે છે કોંગ્રેસ બધું બરાબર નથી. બંને જૂથોના શહેરમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાનું છે. કાર્યકર્તાઓમાં મન દુ:ખ હોઈ શકે છે. તમામ કાર્યકર્તા નેતાને સાંભળવામાં આવી રહ્યા છે. મકસુદ મીરજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે બાબતે વહેલી તકે ઉકેલ આવશે. કોંગ્રેસ માં કોઈ જૂથવાદ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *