લખીમપુર ખેરી જિલ્લામાં નેશનલ હાઈવે 730 પર એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. જ્યાં ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બરેહટા પાસે મુસાફરોથી ભરેલી ટાટા મેજિક અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેના કારણે ટાટા મેજિકમાં સવાર આશરે 10 મુસાફરોના મોત થયા છે, જ્યારે ચાર મુસાફરોની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ઈસાનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે પર સોમવારે સવારે લગભગ 7 વાગ્યે બરેહટા પાસે આશરે 14 મુસાફરોને લઈને એક ટાટા મેજિક લખીમપુરથી બહરાઈચ તરફ જઈ રહી હતી. ત્યારે બહરાઈચ તરફથી આવી રહેલી પૂરઝડપે ટ્રક સાથે તે અથડાઈ હતી. જેના કારણે ટાટા મેજિકમાં સવાર 8 મુસાફરોના તો ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર દરમિયાન વધુ બે મુસાફરોના મોત થયા હતા.
ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા મથકે મોકલી આપ્યા છે. તેમજ ઘાયલોને સારવાર માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ઈસાનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. ધૌરહરા વિસ્તારના સીઓ શમશેર સિંહે જણાવ્યું કે આજે ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરેહટા ગામ પાસે લખીમપુર અને બહરાઈચ હાઈવે પર એક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ટ્રક અને મેજિક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં 10 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 7 પુરુષો અને બે મહિલાઓ છે. જ્યારે અકસ્માતમાં 4 લોકો ઘાયલ પણ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.
