ગોમતી નદીમાં ડૂબી ગયેલા રાજકોટના યુવાનનો મૃતદેહ 13 કલાકે મળ્યો

મોચી સમાજની વાડીના લોકાર્પણ પ્રસંગે પરિવાર સાથે દ્વારકા ગયેલા બે સગા ભાઇ નાહતી વખતે ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા નિવાસસ્થાન રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેથી યુવકની…

મોચી સમાજની વાડીના લોકાર્પણ પ્રસંગે પરિવાર સાથે દ્વારકા ગયેલા બે સગા ભાઇ નાહતી વખતે ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા

નિવાસસ્થાન રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેથી યુવકની અંતિમયાત્રા નીકળતા પરિવારમાં શોક, પુરૂષોત્તમ માસના પ્રથમ દિવસે જ બની કરૂણ ઘટના

યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં પવિત્ર અધિક માસના પ્રારંભના પહેલા જ દિવસે એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. જગવિખ્યાત ગોમતી નદીના ઘાટ પર રવિવારે વહેલી સવારે સ્નાન કરતી વખતે રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં રહેતા મોચી પરિવારના બે સગા ભાઈઓ અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ દુર્ઘટના સમયે આસપાસના લોકોએ તત્પરતા દાખવીને એક ભાઈને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો, જ્યારે બીજો ભાઈ નદીના તેજ પ્રવાહમાં લાપતા થઈ ગયો હતો.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાપતા યુવાનની શોધખોળ શરૂૂ કરી હતી.

મળતી વિગતો અનુસાર, પવિત્ર ગણાતા અધિક માસનો ગઈકાલથી વિધિવત પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકામાં ગોમતી નદીમાં સ્નાન કરવાનું સવિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાના કારણે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓની ભારે ભીડ ગોમતીઘાટ પર ઉમટી પડી હતી. આ ધાર્મિક માહોલ વચ્ચે રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાંથી પોતાના પરિવાર સાથે દર્શનાર્થે આવેલા બે યુવાન ભાઈઓ પણ ગોમતી નદીમાં સ્નાન કરવા માટે પાણીમાં ઉતર્યા હતા.આ દરમિયાન નદીના પ્રવાહની ગતિ અને પાણીના ઊંડાણનો સાચો અંદાજ ન આવવાના કારણે બંને ભાઈઓ અચાનક પગ લપસવાથી ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા અને પોતાનો જીવ બચાવવા માટે મદદની આર્તનાદ કરી મૂકી હતી.

બંને યુવાનોને પાણીમાં ડૂબતા જોઈને આસપાસ સ્નાન કરી રહેલા અન્ય યાત્રિકોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. આ બૂમો સાંભળતા જ ઘાટ પર હાજર સ્થાનિક તરવૈયાઓ અને નાવિકોએ અદ્ભુત સમયસૂચકતા વાપરી તુરંત જ નદીના ઊંડા પાણીમાં ઝંપલાવ્યું હતું. તરવૈયાઓએ ભારે જહેમત બાદ એક યુવાનને પાણીમાંથી જીવતો બહાર કાઢી લેવામાં સફળતા મેળવી હતી,જેને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં બીજો 21 વર્ષીય યુવાન નદીના અંદરના ભારે વહેણમાં ખેંચાઈ જતાં ક્ષણભરમાં જ પરિવારની નજર સામેથી ઓઝલ થઈ ગયો હતો. સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા નદીમાં સતત શોધખોળ આદરવામાં આવી હતી. અંદાજિત 13 કલાકની ભારે અને સઘન જહેમત બાદ આખરે ફાયર બ્રિગેડની ટીમને લાપતા બનેલા 21 વર્ષીય યુવાનનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી.

આ કરુણ ઘટનામાં મૃતક યુવાનની ઓળખ વિશાલ જીતેન્દ્રભાઈ પરમાર (મોચી) (ઉંમર વર્ષ 21) તરીકે થઈ છે.પરિવારના સભ્યો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, દ્વારકાધીશ મંદિર નજીક નવનિર્મિત અખિલ મોચી સમાજની વાડીનું ભવ્ય લોકાર્પણ રાખવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે રાજકોટથી જીતેન્દ્રભાઈ મોચી અને તેમના પરિવારના અંદાજે 10 થી 12 સભ્યો દ્વારકા ગયા હતા. વાડીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પરિવારના તમામ સભ્યો રવિવારે વહેલી સવારે પવિત્ર ગોમતી નદીએ નાહવા માટે ગયા હતા, જ્યાં કમનસીબે આ કાળમુખી ઘટના ઘટી હતી. મૃતક વિશાલના પિતા જીતેન્દ્રભાઈ રાજકોટમાં સોફા સેટ બનાવવાનું કારખાનું ધરાવે છે. માતા દીપાલીબેનનો મોટો દીકરો વિશાલ પોતાની બહેન સાક્ષી અને નાના ભાઈ પ્રિન્સ કરતાં મોટો હતો અને તે ઘરની જવાબદારી સમજીને પિતા સાથે કારખાનાના કામકાજમાં જ મદદરૂૂપ થતો હતો.

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વિશાલનો મૃતદેહ મળી આવ્યા બાદ જરૂૂરી કાનૂની અને તબીબી પ્રક્રિયા પૂર્ણ કરીને તેનો પાર્થિવ દેહ શોકગ્રસ્ત પરિવારને સોંપવામાં આવ્યો હતો. પુત્રનો મૃતદેહ રાજકોટ પહોંચતા જ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા તેમના નિવાસસ્થાને અને સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *