રાજકોટના મવડી મેઈન રોડ પર સ્થિત અને હજારો ભક્તોની અગાધ શ્રદ્ધાના કેન્દ્ર સમાન શ્રી કેસરિયા હનુમાનજી મંદિરને ડિમોલિશનથી બચાવવા માટે વૈશ્વિક સંસ્થા હ્યુમન રાઈટ્સ ફેડરેશન ઇન્ક. (USA) દ્વારા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી મહેન્દ્ર અયાલાણી દ્વારા આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી મંદિર પર સ્ટે લગાવવાની માંગ કરવામાં આવી હતી. જેના પર તાત્કાલિક સંજ્ઞાન લઈને કલેક્ટર કચેરી (અધિક ચિટનીસ ટુ કલેક્ટર) દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી આ મામલે આગળની જરૂૂરી કાર્યવાહી કરવા સત્તાવાર સૂચના આપી દેવામાં આવી છે. હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા વડાપ્રધાન કાર્યાલય (PMO) તેમજ ગુજરાતના મુખ્યમંત્રીને પણ આ અંગે રજૂઆત મોકલવામાં આવી છે. સંસ્થાના પ્રેસિડેન્ટ મહેન્દ્ર અયાલાણીએ જણાવ્યું છે કે, ભારતીય બંધારણની કલમ 25 મુજબ દેશના દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાનો અને ધાર્મિક સ્થળોના રક્ષણનો મૂળભૂત અધિકાર મળેલો છે. આ સંજોગોમાં વર્ષો જૂના મંદિરને તોડવાનો નિર્ણય નાગરિકોના આ મૂળભૂત અધિકાર પર સીધો પ્રહાર છે.
હાલમાં સ્થાનિક ભક્તો દ્વારા મંદિરને બચાવવા માટે જે રીતે શાંતિપૂર્ણ રીતે રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તે દર્શાવે છે કે લોકો આ સ્થાન સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. અમે વિકાસના વિરોધી બિલકુલ નથી, પરંતુ જો માર્ગ પહોળો કરવા કે અન્ય કોઈ પ્રોજેક્ટ માટે જગ્યાની જરૂૂર હોય, તો એન્જિનિયરિંગના એવા વૈકલ્પિક માર્ગો શોધવા જોઈએ જેથી મંદિર પણ સુરક્ષિત રહે અને વિકાસકાર્યો પણ ન અટકે. માનસિક અને આધ્યાત્મિક સુખાકારી માટે ધર્મસ્થાનોની જાળવણી ખૂબ જ જરૂૂરી છે.
તેથી તંત્ર દ્વારા આ ડિમોલિશનના નિર્ણય પર તાત્કાલિક રોક (સ્ટે) લગાવવામાં આવે અને સ્થાનિક અગ્રણીઓ તથા ભક્તો સાથે મળીને કોઈ સન્માનજનક વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવે તેવી સંસ્થા અને ભક્તોની પ્રબળ માંગ છે.
