દીવમાં બે કાર સામસામે ધડાકાભેર અથડાતા મધ્યપ્રદેશના પિતા-પુત્રના કરુણ મોત

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા રોડ પર ગતરોજ 17 મેના રોજ રાત્રિના આશરે 11:00 વાગ્યાની આસપાસ એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ…

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા રોડ પર ગતરોજ 17 મેના રોજ રાત્રિના આશરે 11:00 વાગ્યાની આસપાસ એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી સુરત પાસિંગની કારે સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારતાં મધ્યપ્રદેશના એક જ પરિવારના પિતા અને સગા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે મૃતકની પત્ની (માતા) અને ભત્રીજાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોતાની નજર સામે જ પતિ અને પુત્રને દમ તોડતા જોઈ માતા પર આભ તૂટી પડ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી પૃથ્વી હુનદરાજ વાધવાની (ઉંમર 50 વર્ષ)ના મોટાભાઈ ગિરધારીલાલે જૂનાગઢ નજીક તલની એક નવી ફેક્ટરી (નવો વ્યવસાય) શરૂૂ કરી છે. આ શુભ પ્રસંગે હાજરી આપવા માટે પૃથ્વીભાઈ તેમના પરિવાર સાથે ગ્વાલિયરથી જૂનાગઢ આવ્યા હતા. ગતરોજ બપોરે ફેક્ટરીના પ્રસંગમાં હાજરી આપ્યા બાદ, બંને ભાઈ પોતાના પરિવાર સાથે દીવ ફરવા માટે નીકળ્યા હતા. દીવ ફર્યા બાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શને જવાનું આયોજન ધરાવતા હતા.

રાત્રિના સમયે પરિવાર સ્વિમિંગ પૂલની મજા માણીને નાગવા નજીક આવેલી એક હોટેલમાં રાત્રિ ભોજન (ડિનર) માટે પોતાની કારમાં જઈ રહ્યો હતો. આ કારમાં પૃથ્વીભાઈ, તેમનો 16 વર્ષનો પુત્ર અનિકેત, પત્ની નીતુબેન અને ભત્રીજો ઓમેશ ગિરધારીભાઈ વાધવાની સવાર હતા.

તેઓ જ્યારે નાગવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલી સુરત પાસિંગની કારે તેમની કારને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર અનિકેત પૃથ્વી વાધવાની અને તેના પિતા પૃથ્વી હુનદરાજ વાધવાનીનું ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું હતું. જ્યારે નીતુબેન વાધવાની અને ભત્રીજા ઓમેશને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માત સર્જનાર કારનો નંબર GJ-16-CH-352 છે. RTO રેકોર્ડ અનુસાર આ કાર સુરતના યોગી ચોક, સ્વસ્તિક પ્લાઝા પાસે આવેલા ’102 ક્રિષ્ના રો-હાઉસ’ના રહેવાસી મિહિર નામના વ્યક્તિની હોવાનું ખૂલ્યું છે.

અકસ્માત સમયે સુરતની આ કારમાં કુલ 6 લોકો સવાર હતા. અકસ્માત સર્જાયા બાદ દીવ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કારચાલક સહિત 3 શખસને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 3 શખસ અકસ્માત બાદ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. દીવ પોલીસની એક ટીમ નાસી છૂટેલા આ ત્રણેય શખસને પકડવા માટે છેક ઉના સુધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ ગમખ્વાર અકસ્માતથી સમગ્ર પંથકમાં અને ગ્વાલિયરના સિંધી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ચોંકાવનારી અને દુ:ખદ બાબત એ છે કે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને ગ્વાલિયર સ્થિત પરિવારના અન્ય સભ્યને હજી એ પણ ખબર નથી કે આ અકસ્માતમાં પિતા-પુત્ર બંને કાળનો કોળિયો બની ગયા છે. હાલ દીવ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *