રાજુલાના ધાતરવડી ડેમ-2માં ડૂબી જતા બે કિશોરોના મોત

રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ-2 ખાતે ગરમી અને તડકાથી રાહત મેળવવા નહાવા ગયેલા બે કિશોરો પાણીમાં ડૂબી જતા તેમના કરુણ મોત નિપજ્યાં હોવાની દુખદ ઘટના સામે…

રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ-2 ખાતે ગરમી અને તડકાથી રાહત મેળવવા નહાવા ગયેલા બે કિશોરો પાણીમાં ડૂબી જતા તેમના કરુણ મોત નિપજ્યાં હોવાની દુખદ ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ગાંડુભાઈ લાલાભાઈ પરમાર (ઉં.વ. 15) અને દક્ષભાઈ રાજેશભાઈ ડોડીયા (ઉં.વ. 15) ડેમમાં નહાવા ગયા હતા. દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થતાં બંને કિશોરો ડૂબી ગયા હતા.ઘટનાની જાણ થતા ખાખબાઈ ગામના સરપંચ સહિત ગામલોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તરવૈયાઓની ટીમ તેમજ સેવાભાવી યુવાનો દ્વારા ભારે જહેમત બાદ બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને તાત્કાલિક રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બચાવ કામગીરીમાં દિનેશભાઈ દેવ, નાજુભાઈ વરુ, ગૌતમભાઈ વરુ, અશોકભાઈ તેમજ સરપંચ સવાભાઈ ભરતભાઈ જાલંધરા, વિનુભાઈ શ્રીરામ સહિતના સેવાભાવી લોકો જોડાયા હતા.મૃતક ગાંડુભાઈ પરમારના પરિવારમાં એક દીકરો અને પાંચ દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે દક્ષભાઈ ડોડીયાના પરિવારમાં એક દીકરો અને બે દીકરીઓ છે. બંને પરિવારો રાજુલા શહેરના ધાખડા નગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. બંને પરિવારમાં એકમાત્ર દીકરાનું મોત થતા બંને પરિવારો પર દુખનો પહાડ તૂટી પડ્યો છે ઘટનાની જાણ મહેન્દ્રભાઈ ધાખડા તેમજ ભરતભાઈ જાણીને થતા તેઓ પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને બંને પરિવારોને સાંત્વના પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *