વડાપ્રધાનની અપીલ બાદ ભારતીય પ્રવાસીઓનો મૂડ બદલાયો, વિદેશની અનેક ટુર ધડાધડ કેન્સલ
આસામ-હિમાચલ-કેરાલા-કાશ્મીર સહિત દેશભરના પ્રવાસન સ્થળોએ વેકેશનની ઉજવણી, વર્ષો બાદ જોરદાર સિઝન
સારા પ્રવાસન સ્થળો હાઉસ ફુલ, ગુજરાતના ધર્મસ્થળો તરફ પણ જબરો ધસારો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓલ ટાઈમ ફેવરિટ
ખાડી યુધ્ધના કારણે પ્રવાસીઓમાં અસમંજસ વચ્ચે વડાપ્રધાનની અપીલ કામ કરી ગઈ, દેશના પ્રવાસન ઉદ્યોગ માટે મોટી આશા
વડાપ્રધાન મોદીએ વિદેશી હુંડીયામણ બચાવવા વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરતાં જ તેની વિદેશ પ્રવાસો ઉપર વ્યાપક અસરો શરૂ થઈ છે. વેકેશનની સિજનમાં લોકો આ વર્ષે વિદેશ જવાના પ્લાન કેન્સલ કરી દેશમાં જ વિવિધ હિલ સ્ટેશનો તરફ ફરવા ફરવા નિકળી પડયા સ્થાનિક પર્યટન ઉદ્યોગમાં અત્યાર સુધીની સૌથી સારી સીજન નીકળી છે અને ભારતના મોટા ભાગનાં પ્રવાસન સ્થળો હાઉસ ફુલ થઈ ગયા છે. ટ્રાવેલ એજન્ટોના કહેવા મુજબ આ વર્ષે ખાડી યુધ્ધના કારણે ખુબ ઓછા પ્રવાસીઓએ વિદેશ પ્રવાસના પ્લાન બનાવ્યા હતાં તેમાંય વડાપ્રધાન મોદીએ અપીલ કર્યા બાદ હવે લોકો સ્થાનિક લોકો વિદેશ પ્રવાસો રદ કરી ભારતના જ પ્રવાસન સ્થળો તરફ વળ્યા છે જેના કારણે તમામ સારા પ્રવાસન સ્થળો ફુલ થઈ ગયા છે. હાલ આસામ-શિલિગુડી, સિમલા-કુલુમનાલી, કાશ્મીર, પંચગીની, ધર્મશાલા, તેમજ કેરાલાના પ્રવાસન સ્થળો તરફ જબરો ધસારો જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ભારતીયોને વિદેશમાં લગ્ન કરવાને બદલે ’વેડ ઈન ઈન્ડિયા’ અને વિદેશ પ્રવાસને બદલે દેશના સ્થળોને પ્રાધાન્ય આપવાની અપીલ કરી, ત્યારે તેની સીધી અસર હવે જમીની સ્તરે દેખાઈ રહી છે. ગુજરાતની અગ્રણી ટ્રાવેલ એજન્સીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી ઇન્ટરનેશનલ ટ્રિપ માટે આવતી ઇન્ક્વાયરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે લોકો અત્યાર સુધી દુબઈ, થાઈલેન્ડ કે વિયેતનામ જવા માટે ક્લોઝિંગ પર હતા, તેઓ હવે અચાનક પોતાના પ્લાન બદલી રહ્યા છે.
સુરતના ટ્રાવેલ એજન્ટ કુલદીપ સોનીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના નિવેદન પછી તરત જ 10% જેટલી અસર દેખાઈ રહી છે. ઘણા બુકિંગ જે ફાઇનલ સ્ટેજ પર હતા, તે અટકી ગયા છે. ગ્રાહકો હવે ડોમેસ્ટિક પેકેજની માગ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ અસર 30થી 50 ટકા સુધી વધવાની શક્યતા છે. લોકો હવે ઇન્ટરનેશનલ ટ્રિપ્સ કેન્સલ કરાવીને એ જ બજેટમાં ભારતના જ બેસ્ટ ડેસ્ટિનેશન પર જવા માટે ઉત્સુક છે. ટ્રાવેલ એજન્ટોના મતે, ડોમેસ્ટિક ટુરિઝમ વધવાને કારણે ભારતના સ્થાનિક રોજગારમાં મોટો ફાયદો થશે અને હોટલ ઉદ્યોગને પણ વેગ મળશે.
ભારતીયો દર વર્ષે કરોડો રૂૂપિયા વિદેશી પ્રવાસ પાછળ ખર્ચે છે, જેનાથી વિદેશી હૂંડિયામણ બહાર જાય છે. વડાપ્રધાનના આહવાનનો મુખ્ય હેતુ આ નાણાં દેશમાં જ રહે અને સ્થાનિક પર્યટન સ્થળોનો વિકાસ થાય તે છે. પ્રવાસીઓમાં હવે એવી સમજણ કેળવાઈ રહી છે કે ભારતમાં પણ વિશ્વકક્ષાના સ્થળો ઉપલબ્ધ છે, તો પછી શા માટે વિદેશ જવું? આ માનસિકતાના કારણે વિદેશી હૂંડિયામણ બચશે અને દેશની ઈકોનોમી મજબૂત થશે.
ટ્રાવેલ એજન્સીઓ પાસે આવતા ગ્રાહકો હવે ચોખ્ખું કહી રહ્યા છે કે અમને ભારતના જ સારા ડેસ્ટિનેશન બતાવો. કુલદીપ સોની કહે છે કે જે બુકિંગ ઈન્ટરનેશનલ માટે થઈ ગયા હતા, તેમાંથી પણ ઘણા લોકો હવે પૂછી રહ્યા છે કે શું આને ડોમેસ્ટિકમાં ફેરવી શકાય? લોકોનો આ બદલાયેલો મૂડ દર્શાવે છે કે વડાપ્રધાનની વાત સામાન્ય જનતાના દિલ સુધી પહોંચી છે.
નિષ્ણાતોનું માનવું છે કે જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો આગામી શિયાળુ વેકેશન અને દિવાળી વેકેશનમાં ભારતનું પ્રવાસન ક્ષેત્ર રેકોર્ડ તોડશે. જે રીતે 10%થી શરૂૂ થયેલી આ અસર અત્યારે દેખાઈ રહી છે, તે જોતા ભવિષ્યમાં ડોમેસ્ટિક ટુરિઝમ 50% સુધી વધી શકે છે. પ્રવાસીઓ હવે માત્ર મોજમજા જ નહીં પણ રાષ્ટ્રના આર્થિક હિતને પણ ધ્યાનમાં રાખીને પોતાના વેકેશન પ્લાન કરી રહ્યા છે, જે એક હકારાત્મક સંકેત છે.
દ્વારકા, સોમનાથ, દીવ-દમણ, ગીરની ડિમાન્ડ વધશે
ધાર્મિક ડેસ્ટિનેશનની વાત કરીએ તો અમદાવાદથી અયોધ્યા, અમદાવાદથી વારાણસીની સીધી ફ્લાઈટ મળી રહે છે. તેમજ હવે આવનાર સમયમાં ગુજરાતમાં પણ અનેક એવી જગ્યા છે જ્યાં લોકો વધારે જવાનું પસંદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાતના ડેસ્ટિનેશન પર પ્રવાસ કરવાનું પણ લોકો વધારે પસંદ કરશે. દ્વારકા, સોમનાથ, દીવ-દમણ, ગીર સહિતના સ્થળો પર લોકોને ડિમાન્ડ વધશે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો પહેલાથી જ પ્રવાસીઓનું ફેવરીટ પર્યટન સ્થળ રહ્યું છે.
દિવાળીએ બમ્પર અસર જોવા મળશે: અભિષેક અમીપરા
પર્યટન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના અભિષેક અમીપરાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી છે તે યોગ્ય છે. કારણ કે ઘણા બધા લોકોનું વિદેશ જવાનું સપનું હોય છે તેથી વિદેશનો પ્રવાસ કરતા હોય છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ લોકો હવે વિદેશ જવાનું ટાળશે.તેમણે જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓ જો ભારતમાં પ્રવાસ કરશે તો પછી ડિમાન્ડ વધતા ભાવમાં પણ વધારો થઈ શકે છે. હોટલના ફ્લાઈટની ટિકિટના સહિતના ભાવમાં વધારો જોવા મળી શકે છે. તેમજ રોડ રસ્તા અને હોટલ સહિતની સુવિધાઓ દરેક સ્થળે મળવા લાગી છે તેથી લોકો ભારતનો પ્રવાસ વધુ કરી શકે છે. અત્યારે સૌથી વધુ લોકો કાશ્મીર, લેહ-લદાખ, હિમાચલ પ્રદેશ તેમજ આસામ અને સિક્કિમ વધુ પ્રવાસ કરી રહ્યા છે. જ્યારે દિવાળીના સમયમાં લોકો સાઉથમાં પ્રવાસ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. તેમજ જે લોકો ઠંડી સહન કરી શકતા હોય તે લોકો નોર્થમાં પણ પ્રવાસ કરતા હોય છે.ભારતમાં અને વિદેશના પ્રવાસના પેકેજને લઈને અભિષેકે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રવાસ માટેનું પેકેજ 20 હજારથી લઈને 70 હજાર સુધીનું હોય છે. જ્યારે વિદેશમાં પ્રવાસ માટેનું પેકેજ 50 હજારથી શરૂૂ થઈને 7 લાખ સુધી હોય છે. તેમજ અલગ અલગ ડેસ્ટિનેશનના રાત્રિ રોકાણ પ્રમાણે પેકેજમાં વધારો-ઘટાડો થતો હોય છે.
ડેસ્ટિનેશન વેડિંગ માટેના ડેસ્ટિનેશન બદલાયા, સ્થાનિક ડેસ્ટિનેશનની ઈન્કવાયરી : દર્શિત પરસાણા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી દેશવાસીઓને વિદેશમાં લગ્ન કરવાને બદલે ભારતમાં જ ‘ડેસ્ટિનેશન વેડિંગ’ કરવા માટે જે અપીલ કરી છે, તેની સીધી અને હકારાત્મક અસર વેડિંગ ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. એક સ્થાનિક વેડિંગ પ્લાનર દર્શિત પરસાણાએ જણાવેલ કે, વડાપ્રધાનની જાહેરાત બાદ વેડિંગ પ્લાનર્સ પાસે સ્થાનિક ઈન્ક્વાયરીનો ધસારો વધ્યો છે.
લોકો હવે વિદેશ જવાને બદલે ઋષિકેશ,ગોવા અને ઉદયપુર જેવા ભારતીય શહેરોમાં લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા છે. ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સના વધતા ભાડાને કારણે વિદેશમાં લગ્ન કરવાનું આયોજન મોંઘું પડી રહ્યું છે, જ્યારે ભારતમાં તે વધુ પોષાય તેમ છે. વિદેશમાં લગ્ન કરવાથી મહેમાનોની સંખ્યા 150થી 200 સુધી સીમિત રાખવી પડતી હોય છે, જ્યારે ભારતમાં આ મર્યાદા રહેતી નથી. દર્શિતે જણાવ્યું કે, ડેસ્ટિનેશન વેડિંગ માટેના અનેક કોલ્સ આવી રહ્યા છે. જે લોકો ઇન્ટરનેશનલ વેડિંગનું આયોજન કરી રહ્યા હતા, તેઓ હવે ભારતમાં જ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. હાલમાં એરલાઇન્સના ભાવ પણ ખૂબ વધી ગયા છે, તેથી ભારતમાં વેડિંગ પ્લાનિંગ કરવું એક ઉત્તમ વિકલ્પ છે. આનાથી ભારતીય વેડિંગ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે અને લોકો વધુ મહેમાનો સાથે લગ્નનો આનંદ માણી શકશે.
ક્રેડાઈએ નેધરલેન્ડનો ભવ્ય કાર્યક્રમ રદ કર્યો, હવે ભારતમાં જ યોજશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશનું વિદેશી હુંડિયામણ (ફોરેક્સ રિઝર્વ) બચાવવા અને બિનજરૂૂરી વિદેશી ખર્ચ ઘટાડવા માટે કરવામાં આવેલી અપીલની ઉદ્યોગ જગત પર વ્યાપક અસર જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ ડેવલપર્સના રાષ્ટ્રીય સંગઠન ’ક્રેડાઈ’ (CREDAI) એ વડાપ્રધાનની આ હાકલને માન આપીને નેધરલેન્ડના એમ્સ્ટરડેમ ખાતે યોજાનારી તેની પ્રતિષ્ઠિત વાર્ષિક ઈવેન્ટ ’નેટકોન’ (NATCON) ને રદ કરી દીધી છે. હવે આ ભવ્ય કાર્યક્રમ ભારતની ધરતી પર જ આયોજિત કરવામાં આવશે. ક્રેડાઈ દ્વારા દર વર્ષે તેની ફ્લેગશિપ ગાળા ઈવેન્ટ ’નેટકોન’ નું આયોજન વિદેશમાં કરવામાં આવતું હોય છે. વર્ષ 2026 માટે આ કાર્યક્રમ એમ્સ્ટરડેમમાં યોજવાનું આયોજન હતું, જેમાં ભારતભરમાંથી અંદાજે 1,000 થી વધુ સભ્યો અને ડેવલપર્સ ભાગ લેવાના હતા. જોકે, વડાપ્રધાને તાજેતરમાં જ ઉદ્યોગપતિઓને વિદેશમાં થતા જંગી ખર્ચમાં કાપ મૂકીને ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાની વિનંતી કરી હતી, જેના પગલે ક્રેડાઈએ તાત્કાલિક અસરે તમામ વિદેશી આયોજનો સ્થગિત કરી દીધા છે. અને ભારતમાં જ કોઈ ડેસ્ટિનેશનની શોધ શરૂ કરી દીધી છે.
