જેતપુરમાં તીનબત્તી ચોક વિસ્તારમાં આવેલી એક મહિલા વકીલની ઓફિસમાં ચાર મહિલાઓએ ઘૂસીને આંતક મચાવી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના અંગે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પતિ સાથે છુટાછેડા લેવા બાબતે ખાર રાખી નણંદ સહીત 4 મહિલાએ વકીલને મારમાર્યો હતો.
જેતપુરમાં તીનબત્તી ચોક વિસ્તારમા ઓફીસ ધરાવતા એડવોકેટ જ્યોતીબેન દીપકભાઈ મકવાણા (ઉં.વ. 26)એ નોંધાવેલી પોલીસમાં ફરિયાદમાં પૂર્વ પતિ કરણ અશોકભાઈ પરમારના પરિવારની ચાર મહિલાઓરાજલબેન અશોકભાઈ પરમાર, ચેતનાબેન અશોકભાઈ પરમાર, મનીષાબેન દુદાભાઇ સાહીયા અને હંસાબેન અશોકભાઈ પરમારનું નામ આપ્યું છે. ગઈકાલે બપોરે આશરે 4:00 વાગ્યે તેઓ પોતાની ઓફિસમાં કામ કરી રહ્યા હતા. તે સમયે તેમના પૂર્વ પતિ કરણ અશોકભાઈ પરમારના પરિવારની ચાર મહિલાઓરાજલબેન અશોકભાઈ પરમાર, ચેતનાબેન અશોકભાઈ પરમાર, મનીષાબેન દુદાભાઇ સાહીયા અને હંસાબેન અશોકભાઈ પરમારઓફિસના પાછળના દરવાજેથી અંદર ઘૂસી આવી હતી. અને જ્યોતિબેન ઉપર હુમલો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જ્યોતીબેને તેમના પૂર્વ પતિ કરણ સાથે આશરે ત્રણ મહિના પહેલા છૂટાછેડા લીધા હતા. આ બાબત કરણના પરિવારજનોને ગમી ન હતી.
આ જૂની અદાવત અને ખાર રાખીને આરોપી મહિલાઓએ ઓફિસમાં પ્રવેશ કરી જ્યોતીબેનને બિભત્સ ગાળો આપી હતી. આરોપી મનીષાબેને જ્યોતીબેનના વાળ ખેંચી હુમલો કર્યો હતો, જ્યારે ચેતનાબેને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન ચારેય મહિલાઓએ ભેગા મળી જ્યોતીબેનને ઢીકા-પાટુનો માર માર્યો હતો. ઓફિસમાં હાજર અન્ય લોકો અને સાક્ષીઓએ વચ્ચે પડીને જ્યોતીબેનને વધુ માર ખાતા બચાવ્યા હતા. હુમલો કર્યા બાદ ચારેય મહિલાઓ પોતાની ફોર-વ્હીલર ગાડી લઈને ફરાર થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત જ્યોતીબેનને તાત્કાલિક 108 મારફતે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેતપુર સીટી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 115(2), 329(3), 296(બ), 351(3), અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
