રિંગ રોડ ઉપર બિલ્ડરનો 200 મીટરનો ટેરર શો; બે સ્કૂટર અને 3 કારને ઉલાળી, ઉશ્કેરાયેલા ટોળાએ અધમૂઓ કરી નાખ્યો

રાજકોટ શહેરના નાનામવા સર્કલ નજીક આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. મહાપૂજા ધામ ચોક પાસે એક બેફામ ગતિએ આવતી લક્ઝુરિયસ વોલ્વો કારના ચાલકે સ્ટીયરિંગ…

રાજકોટ શહેરના નાનામવા સર્કલ નજીક આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. મહાપૂજા ધામ ચોક પાસે એક બેફામ ગતિએ આવતી લક્ઝુરિયસ વોલ્વો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અથડામણ એટલી પ્રચંડ હતી કે કાર ડિવાઈડર તોડીને સીધી બીઆરટીએસ રૂૂટમાં ખાબકી હતી. આ દરમિયાન માર્ગ પર પસાર થઈ રહેલી ત્રણ કાર અને બે બાઈકને વોલ્વો કારે અડફેટે લેતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં એક મહિલા સહિત કુલ પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

અકસ્માત સર્જનાર વોલ્વો કારની ગતિ એટલી વધારે હતી કે અકસ્માતને પગલે કારનો આગળનો ભાગ સાવ કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારનું એક ટાયર પણ નીકળીને દૂર ફંગોળાઈ ગયું હતું. બીઆરટીએસ રૂૂટમાં અંદાજે 200 મીટરના વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું.અકસ્માતને પગલે આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં શાપર ખાતે કારખાનું ધરાવતા આશિષ નટુભાઈ સોલંકીનો પણ સમાવેશ થાય છે, જેઓ પોતાની એક્સયુવી કારમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.

ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જનાર વોલ્વો કારના ચાલકની ઓળખ ધવલ મહેશભાઈ પીપળીયા (પટેલ) (ઉંમર 35 વર્ષ) તરીકે થઈ છે. ધવલ નાનામવા રોડ પર આવેલી રાજ રેસિડેન્સીમાં રહે છે અને બાંધકામ ક્ષેત્રે વ્યવસાય કરે છે. અકસ્માત સર્જાયા બાદ ત્યાં હાજર આશરે 50 જેટલા લોકોના ટોળાએ રોષે ભરાઈને ચાલક ધવલને પકડી પાડ્યો હતો અને તેને સ્થળ પર જ મેથીપાક ચખાડ્યો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ માલવિયા નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ચાલકને ટોળા પાસેથી છોડાવવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડયો હતો.

અકસ્માતને કારણે નાનામવા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેઈન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂૂ કરવામાં આવી છે.

ચાલક નશાની હાલતમાં હતો કે કેમ? તે દિશામાં પોલીસે તપાસ શરૂૂ કરી
આ ગંભીર અકસ્માતમાં વોલ્વો કારનો જે રીતે ભુક્કો બોલી ગયો હતો તે જોતા અકસ્માતની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે. બીઆરટીએસ ટ્રેક અને જાહેર મિલકતને થયેલું નુકસાન મોટું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાલક ધવલ પીપળીયા બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે પ્રતિષ્ઠિત વિસ્તારમાં રહે છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા આશિષભાઈ સોલંકી સહિતના અન્ય લોકોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હાલ ચાલક નશાની હાલતમાં છે કે કેમ?એ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *