ઉદ્યોગનગરમાં કારખાનામાંથી કર્મચારીએ રૂ.1.30 લાખના ચાંદીના ઢાળની ચોરી કરી

શહેરના ભક્તિનગર ઉદ્યોગનગરમાં આવેલી એક ચાંદીના દાગીના બનાવવાની ફેક્ટરીમાં ચોરીની ઘટના સામે આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, લોધાવાડ-5 વિસ્તારમાં આવેલી ’સોલીયો ડિઝાઇન એલએલપી’…

શહેરના ભક્તિનગર ઉદ્યોગનગરમાં આવેલી એક ચાંદીના દાગીના બનાવવાની ફેક્ટરીમાં ચોરીની ઘટના સામે આવી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, લોધાવાડ-5 વિસ્તારમાં આવેલી ’સોલીયો ડિઝાઇન એલએલપી’ નામના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા અશોકકુમાર બચુભાઈ વાઘમશીએ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના કારખાનામાં છેલ્લા ચાર-પાંચ મહિનાથી કામ કરતા એક સગીર કર્મચારીએ અંદાજે 500 ગ્રામ ચાંદીના ઢાળની ચોરી કરી છે, જેની બજાર કિંમત આશરે રૂૂ. 1,30,000 જેટલી થાય છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સગીર આરોપી છેલ્લા ત્રણેક મહિનાથી કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા દોઢ મહિનાથી તેને મેલ્ટિંગ વિભાગમાં એટલે કે ચાંદી ગાળવાની ભઠ્ઠી પર કામ સોંપવામાં આવ્યું હતું.

આ વિભાગમાં તેનું મુખ્ય કામ ચાંદીના ટુકડા અને છોલમાંથી ચાંદીના ઢાળ બનાવવાનું હતું. જોકે, જ્યારથી તેને આ વિભાગમાં મૂકવામાં આવ્યો હતો, ત્યારથી ચાંદીના સ્ટોકમાં સતત ઘટ આવતી હોવાનું મેનેજરના ધ્યાને આવ્યું હતું. તપાસ દરમિયાન અંદાજે 500 ગ્રામ ચાંદી ઓછી જણાતા મેનેજરે સગીર કર્મચારીની પૂછપરછ કરી હતી, પરંતુ તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. શંકા વધુ દ્રઢ થતા કારખાનાના મેનેજરે માલિક સાથે ચર્ચા કરી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ગત તા. 11 મે 2026 ના રોજ આ બાબતે પોલીસમાં અરજી કરવામાં આવી હતી.

ત્યારબાદ સગીર આરોપી કામ પર હાજર ન થતા, તે ચાંદીના ઢાળ ચોરી કરી ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ઘટના 1 ડિસેમ્બર 2025 થી 11 મે 2026 ના સમયગાળા દરમિયાન બની હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.રાજકોટ એ-ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ માવદિયાને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીને સકંજામાં લઇ ચોરાયેલી મિલકત રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *