નામચીન ટોળકીએ ત્રણ યુવાનોને છરીના ઘા ઝીંકયા

ન્યારી ડેમ રોડ ઉપર મધરાત્રે મચાવ્યો આતંક, કેટરિંગના બે કર્મચારી અને વચ્ચે પડેલા યુવક પર હુમલો, ભોગ બનનારાઓએ મોં સિવી લીધા શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યો…

ન્યારી ડેમ રોડ ઉપર મધરાત્રે મચાવ્યો આતંક, કેટરિંગના બે કર્મચારી અને વચ્ચે પડેલા યુવક પર હુમલો, ભોગ બનનારાઓએ મોં સિવી લીધા

શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં લુખ્ખા તત્વો નજીવા પ્રશ્ર્ને મારામારી અને જીવલેણ હુમલા કરતાં હોવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ન્યારી ડેમ રોડ પર મધરાત્રે નામચીન ટોળકીએ આતંક મચાવી ત્રણ યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયા છે. ભોગ બનનારા યુવાનોએ મોં સિવી લીધા હોય તેમ ઘટના અંગે કોઈ વિગત આપી રહ્યું નથી ત્યારે પોલીસે ઘટના પાછળનું રહસ્ય જાણવા તપાસનો દૌર લંબાવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં રૈયાધાર રામાપીર ચોકડી પાસે રહેતો પ્રતિક શાંતિભાઈ સોંદરવા (ઉ.25) ન્યારી ડેમ પાસે રફર ડ્રીમ બિલ્ડીંગમાં રહેતાં સોફીયાન ગુલાબભાઈ શેખ (ઉ.19) અને સોહમ એપાર્ટમેન્ટમાં રહેતા સચીનભાઈ રાવ (ઉ.28) રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ન્યારી ડેમ રોડ પર આવેલી લગુન હોટલ પાસે હતાં ત્યારે સંજય રાણા, આશીષ, આમીર અને સમીર સહિતનાં અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ત્રણેય યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં સુફીયાન શેખે જણાવ્યું હતું કે, તે મુળ અજમેરનો વતની છે અને મુંબઈથી કેટરર્સનું કામ કરવા માટે રાજકોટ આવ્યો હતો અને ન્યારી ડેમ પાસે ભાડાના ફલેટમાં રહે છે. ગઈકાલે તેને મુંબઈ જવાનું હતું. જેથી તે સામાન લેવા પોતાના ફલેટે જઈ રહ્યો હતો ત્યારે હુમલાખોર સંજય રાણા સહિતના શખ્સોએ સોફીયાન શેખ ઉપર અચાનક છરી વડે હુમલો કર્યો હતો. જે મારામારીની ઘટનામાં સુફીયાન શેખને બચાવવા વચ્ચે પડેલા પ્રતિક સોંદરવાને પણ છરીનો ઘા ઝીંકી દીધો હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહેલા ત્રણેય યુવાનોએ મોં સિવી લીધું હોય તેમ હુમલા પાછળનું કારણ જણાવ્યું ન હતું. આ ઘટના અંગે તાલુકા પોલીસે ઈજાગ્રસ્ત યુવાનોના નિવેદનો નોંધી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો દૌર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *