અધિકમાસમાં શ્રધ્ધાળુઓના પ્રવાહને પહોંચી વળવા તૈયારી
આગામી પવિત્ર અધિક માસ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ઉમટી પડનારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યાત્રિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે હેતુથી આજે દ્વારકાના મંદિર ચોક સહિતના મુખ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું ડિમોલેશન અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
ફૂટપાથ અને જાહેર માર્ગો પર વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવા આ પગલું લેવાયું છે. દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આવટેના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા ચીફ ઓફિસર અશ્વિન ગઢવી અને તેમની ટીમે સ્થળ પર જઈ ટેબલ, સ્ટોલ અને અન્ય અનધિકૃત સામાન હટાવ્યો હતો. કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દ્વારકા પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ અંગે વિગત આપતા પ્રાંત અધિકારી અમોલ આવટેએ જણાવ્યું હતું કે, “અધિક માસમાં ભક્તોની સંખ્યામાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે. શ્રદ્ધાળુઓને દર્શન માટે આવવા-જવામાં કોઈ અગવડતા ન પડે તે અમારી પ્રાથમિકતા છે. આ દબાણ હટાવો ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.” તંત્ર દ્વારા તમામ સ્થાનિક વેપારીઓને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર માર્ગો પર દબાણ ન કરે અને યાત્રાઘામની વ્યવસ્થા જાળવવામાં સ્વૈચ્છિક રીતે સહયોગ આપે.
