એક માસમાં 98 રાહદારીઓ હીટવેવની ઝપટે, પશુ-પક્ષીમાં મૃત્યુદર 25 ટકા વધ્યો

રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં સૂર્યપ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત : રસ્તા પર ચક્કરી ખાઇને પડી જતા રાહદારીઓને 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડે તેવા કેસમાં ચિંતાજનક વધારો વેટરનરી…

રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં સૂર્યપ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત : રસ્તા પર ચક્કરી ખાઇને પડી જતા રાહદારીઓને 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડે તેવા કેસમાં ચિંતાજનક વધારો

વેટરનરી હોસ્પિટલમાં હીટવેવની ઝપટમાં આવી જતા રોજના 150થી 170 પશુ-પક્ષીઓની થતી સારવાર: ગયા વર્ષ કરતા આ વખતે કેસ 40 ટકા વધ્યા

રાજકોટ છેલ્લા બે દિવસથી જાણે અગનભઠ્ઠો બન્યુ હોય તેમ સુરજ ધોમધખતો તપી રહ્યો છે. સિઝનનું હાઇએસ્ટ તાપમાન 45.5 ડીગ્રીને વટી ગયુ છે. બપોરે 1 થી 4 સુધીમાં રિતસર ચામડી તમતમી ઉઠે તેવી લૂ ફૂંકાય રહી છે. આવ આકરા હીટવેવ વચ્ચે છેલ્લા એક માસમાં રાજકોટ શહેર સહિત જિલ્લામાં હીટવેવની ઝપટમાં આવી ગયા હોય તેવા 98 રાહદારીઓને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર આપવી પડી છે. બીજીબાજુ અબુલ પશુ-પક્ષીઓ પણ લૂમાં લપેટાઇ રહ્યા છે. વેટરનરી હોસ્પિટલમાં લૂ લાગવાથી 60થી 70 ટકા કેસ વધી ગયા છે. હાલ વેટરનરી હોસ્પિટલમાં રોજના 150થી 170 જેટલા પશુ-પક્ષીઓને સારવાર લઇ આવવામા આવતા હોવાનો સતાવાર આંકડો મળી રહ્યો છે.

હાલ આકાશમાંથી રિતસર આગ વરસતી હોય તેવો આકરો તાપ પડી રહ્યો છે. રાજકોટના આરોગ્ય વિભાગે લોકોને સાવધાની રાખવા અપીલ સાથે માર્ગદર્શિકા જારી કરી છે. આ સાથે છેલ્લા લૂ લાગવાના કેસમાં પણ ચિંતાજનક વધારો થયો છે. મનપાના 108 ક્ધટ્રોલરૂૂમમાંથી મળતી સતાવાર માહિતી મુજબ શહેર અને જિલ્લામાં તા.1 એપ્રિલથી તા.9 મે સુધીમાં ગરમી-લુના કારણે 94 લોકોને આરોગ્ય સંબંધી તકલીફો જોવા મળી હતી. જેમાથી અમુકને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ, નજીકમાં આવેલા મનપાના આરોગ્ય કેન્દ્ર કે ખાનગી હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા. અમુકને સ્થળ પર જ સારવાર આપવામા આવી હતી.

બીજીબાજુ પશુ-પક્ષીઓમાં પણ હીટવેવના કેસ વધ્યા છે. ઓલવેઝ કેર સેન્ટરના જાણીતા વેટરનરી તબીબ ડો.સંદીપરાના કહેવા મુજબ દર વર્ષ કરતા આ વર્ષે પશુ-પક્ષીઓના હીટવેવને લગતા કેસમાં 40 ટકા જેટલો વધારો થયો છે. જ્યારે આકરા તાપમાં તડપીને મૃત્યુ પામ્યાના કેસમાં 25 ટકાનો વધારો થયો છે. શહેરની વેટરનરી હોસ્પિટલમાં રોજના 150થી 170 પશુ-પક્ષીઓને હીટવેવની અસર હેઠળ સારવાર આપવામા આવતી હોવાની માહિતી મળી રહી છે.

રોજના 100 જેટલા પશુ-પક્ષી-શ્વાનના મોત
સુર્યદેવના પ્રકોપ વચ્ચે ખુલ્લા ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે રહેતા પક્ષી, શ્વાન અને નધણિયાતા ઢોર સહિતના અબોલ જીવ માટે હીટવેવ જીવલેણ પુરવાર થઇ રહ્યો છે. મૃત્યુદરમાં ચિંતાજનક વધારો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગરમીના પ્રચંડ પ્રકોપના કારણે રોજના 100 જેટલા પશુ-પક્ષી-શ્વાનના મોત થઇ રહ્યા છે. ડીહાઇડ્રેશનના કારણે પક્ષીઓ વૃક્ષ પરથી નીચે પટકાઇને મોત થતા હોય તેવા કિસ્સા પણ આ વખતે વધ્યા છે.

જીવનદયાપ્રેમી સંસ્થાઓની અપીલ
ગરમીનો પ્રકોપ ખાસ કરીને શેરીઓમાં ભટકતા શ્વાન, બિલાડીઓ અને આકાશમાં ઊડતા પક્ષીઓ માટે વધુ ઘાતક પૂરવાર થઈ રહ્યો છે. પાણીના અભાવે અને તીવ્ર ગરમીને કારણે તેઓ ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત) અને હીટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં, પક્ષીઓ તરસ્યા અને અશક્ત બનીને ઊંચી ઇમારતો પરથી કે ઝાડ પરથી નીચે પડી રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે. જે પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે ગંભીર સંકેત છે. શહેરી વિસ્તારોમાં પાણીના કુદરતી સ્ત્રોતો ઘટતા જવા અને ખોરાકની અછત પણ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહી છે, જેના કારણે અબોલ જીવોને પીવા માટે પાણી મળવું દુષ્કર બન્યું છે. ત્યારે રાજકોટની અનેક જીવદયા સંસ્થાઓ અને પશુ કલ્યાણ સંગઠનો અબોલ જીવોને બચાવવા માટે આગળ આવ્યા છે. તેઓ દિવસ-રાત કાર્યરત રહીને ગરમીથી પીડાતા પશુ-પક્ષીઓને બચાવવા, તેમને પાણી અને ખોરાક પૂરો પાડવા તેમજ તબીબી સારવાર આપવા માટે પ્રયત્નશીલ છે. જોકે, દૈનિક કેસોની મોટી સંખ્યાને કારણે સંસ્થાઓ પર પણ ઘણું દબાણ આવી રહ્યું છે. આ સંસ્થાઓ શહેરીજનોને પણ અપીલ કરી રહી છે કે પોતાના ઘર આંગણે કે છત પર પક્ષીઓ માટે પાણી અને દાણાની વ્યવસ્થા કરે તેમજ શેરી પ્રાણીઓ માટે પાણીના કુંડા રાખે. નાના પ્રયાસો પણ અનેક જીવોનો જીવ બચાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *